મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : દેશભરમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. અને કોરોનાનાં નામ માત્રથી લોકો ડરી રહ્યા છે. તેવામાં આજે મધર્સ ડેનાં દિવસે જ લોકોને હિંમત અને પ્રેરણા આપતો 95 વર્ષનાં વૃદ્ધાનો વિડીયો સામે આવ્યો છે. જેમાં આ 'બા' પોતાને કોરોના હોવા છતાં મોજમાં જોવા મળે છે. એટલું જ નહીં ઓક્સિજન પર હોવા છતાં તેઓ બેડ પર બેઠા-બેઠા ગરબા લઈ રહ્યા હોવાનું પણ જોવા મળી રહ્યું છે. 

સિવિલ હોસ્પિટલમાં દાખલ 'બા'નો જુસ્સો જોઈને ડોક્ટર્સનું કહેવું છે કે, તેઓ કોરોનાને હરાવશે તે નક્કી છે. કોરોનાથી ગભરાઈ જતા લોકોએ આ 95 વર્ષના  ગોદાવરીબેન ચૌહાણ પાસે શીખવા જેવું છે. તેઓને કોરોના હોવા છતાં તેમનામાં જબરો આત્મવિશ્વાસ છે, અને ચહેરા પર જાણે અપાર ખુશી જોવા મળી રહી છે. તેમની આ હિંમત અને વિશ્વાસ જોઈને કોરોના તો શું કોઈપણ રોગને હરાવવા તેઓ સક્ષમ હોવાનું કહેવું જરાપણ અતિશયોક્તિ ભર્યું નથી.