મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતે કંધેાડિયા ગામમાં જુગાર રમાતો હતો જેમાં રેડ કરીને રૂ..48 લાખ રૂપિયાની માતબર રકમની કટકી કરી લેનારા પાંચ પોલીસ કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા દ્વારા લાલ આંખ કરીને પાંચેય સામે ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરી છે.

આ અંગે આજે રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે આ દરમિયાન જણાવ્યું કે, રાજકોટ ગ્રામ્ય પોલીસ હદમાં વિંછીયા ખાતેના કંધોડિયા ગામમાં જુદારનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં 9 આરોપીઓમાંથી એક આરોપીએ એવી રજૂઆત કરી હતી કે, મુદ્દામાલની ઉચાપત કરવામાં આવી છે. મુદ્દામાલ રૂ. 8.48 લાખનો હતો પરંતુ પોલીસે ચોપડે ઓછો બતાવ્યો છે. આ અંગે પોલીસ ચોપડે 48,340નો મુદ્દામાલ દર્શાવ્યો હતો પરંતુ આરોપી રસિકભાઈના કહ્યા મુજબ રકમ ઘણી મોટી હતી. આમ એક આરોપી જ અન્ય પોલીસ આરોપીઓને પકડવામાં મહત્વની કડી સાબિત થયો હતો.

એસપીએ વધુમાં કહ્યું કે, આ અંતે આરોપીની રજૂઆત સાંભળી પોલીસે તે અંગે તપાસ કરી તો ખબર પડી કે પોલીસે સરકારીનાણાંની ઉચાપત કરી હતી. પોલીસને તપાસ દરમિયાન મળેલી હકીકતો દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં સંડોવણી ધરાવતા વિંછીયા પોલીસ સ્ટેશનના હેડ કૉન્સ્ટેબલ વલ્લભ ઝાપડીયા, કૉન્સ્ટેબલ લક્ષ્મણભાઈ ગોહિલ, શ્રીધરભાઈ સાકરીયા, ગોપાલભાઈ શેખ, જીલુભાઈ હાંડા સામે ગત રોજ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ અંગેની વધુ આગળની તપાસ એસઓજી પીઆઈ કરી રહ્યા છે.