રાજકોટ : શહેરમાં રાત્રી કર્ફ્યુનો કડક અમલ કરાવવા માટે શહેર 2000થી વધુ જવાનો ખડેપગે રહીને ફરજ નિભાવી રહ્યા છે. આજે ઝોન-2 ડીસીપી દ્વારા ખાસ છેલ્લા ત્રણ દિવસ દરમિયાન પોલીસે કરેલી કાર્યવાહી અંગેની જાણકારી આપવા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યા મુજબ, કર્ફ્યુની કુલ 3 રાત્રીમાંં સોશિયલ ડીસ્ટન્સનાં 192 કેસ અને જાહેરનામાં ભંગનાં 349 કેસ નોંધાયા છે. જ્યારે 234 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે. 

પોલીસ મથક અનુસાર એ ડિવિઝન પોલીસે 14, બી ડિવિઝન પોલીસે 29, થોરાળા પોલીસે 13, ભક્તિનગર પોલીસે 14, આજી ડેમ પોલીસે 3, કુવાડવા પોલીસે 9, માલવીયાનગર પોલીસે 17, પ્રનગર પોલીસે 19, ગાંધીગ્રામ પોલીસે 19, તાલુકા પોલીસે 17 અને યુનિવર્સીટી પોલીસે 43 શખ્શો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જેમાં યુનિવર્સીટી પોલીસે સૌથી વધુ 43 ગુના નોંધી કાર્યવાહી કરી છે.

આ ઉપરાંત શહેર પોલીસ દ્વારા કર્ફ્યુના 3 દિવસ દરમિયાન કરવામાં આવેલી કામગીરી અંગે આપેલી માહિતી ઉપર એક નજર કરીએ તો જાહેરનામા ભાંગના 349 કેસ કરવામાં આવ્યા છે જેમાં 21 તારીખે 74, 22 તારીખે 114 અને 23 તારીખે 161 કેસ કર્યા છે. સોશ્યલ ડીસ્ટન્સના કુલ 192 કેસ કરવામાં આવ્યા છે. જેમાં 21 તારીખ 54, 22 તારીખે 91 અને 23 તારીખે 47 કેસ કરવામાં આવ્યા છે. જયારે 234 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે જેમાં 21 તારીખે 72, 22 તારીખે 92 અને 23 તારીખે 70 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે.

શહેર પોલીસ દ્વારા સઘન નાઈટ પેટ્રોલિંગની સાથે સાથે ડિજિટલ પેટ્રોલીંગ પણ કરવામાં આવી રહ્યું છે. જેમાં ડ્રોન ઉડાવી આધુનિક પેટ્રોલિંગનો પણ સહારો લઈને પોલીસ કામગીરી કરી રહી છે. આ તકે લોકો કર્ફ્યુ કાળમાં ઘરે જ રહે અને કામ વિના બહાર નહીં નીકળીને કોરોનાને નાબૂદ કરવામાં સહકાર આપે તેવી અપીલ પણ પોલીસ કમિશ્નર દ્વારા કરવામાં આવી રહી છે.