મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: શહેરમાં એક હૈયું હચમચાવનારી ઘટના સામે આવી છે. જેમાં પોતાના મામાના ઘરે ફરવા આવેલા બે સગા ભાઈઓ સહિત 3 બાળકોના ડૂબી જતાં મોત થતા બંને પરિવારોમાં માતમ છવાયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગનો કાફલો દોડી ગયો છે અને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ દલિત પરિવારના 4 બાળકો બપોરે 1 વાગ્યાથી ઘરે નીકળ્યા બાદ આવ્યા પરત ફર્યા નહોતા. જો કે ચારમાંથી એક પાછો આવ્યો અને બાકીના ન્હાવા ગયા હોવાની જાણ કરી હતી. જેને પગલે તપાસ કરતા જ સવન ફ્લેટ પાસે આવેલ મોટા ખાડા પાસેથી તેમના બુટ - ચંપલ મળ્યા હતા. બાળકો આ ખાડામાં ડૂબી ગયાની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરતા એક મૃતદેહ મળ્યા બાદ વધુ બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા.

મૃતક બાળકોના નામ સમીર મુકેશભાઈ મકવાણા, કરણ જગદીશભાઈ વઘેરા અને અર્જુન જગદીશભાઈ વઘેરા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ઢાંઢણી ગામના કરણ અને અર્જુન વઘેરા બંને મામાના ઘરે ફરવા માટે આવ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ઘટનાને પગલે રૈયા ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. હાલ યુનિવર્સિટી પીઆઇ સહિતના સ્ટાફે ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.