મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટ પંથકમાં નિર્દોષ લોકોને ફસાવી બ્લેકમેલ કરીને રૂપિયા પડાવનાર ગેંગના કારસ્તાનમાં ફસાયેલા એક વૃદ્ધની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી જે હત્યા કરનાર મહિલા આરોપી સહિતના ચાર ઇસમોને ગણતરીની કલાકોમાં દબોચી લેવામાં રાજકોટ એસઓજી ટીમને સફળતા મળી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જામનગરના વૃદ્ધ કિરીટ મહેતાને રાજકોટના રૈયાધાર શાંતિનગરમાં આવેલ શ્યામરાજ એપાર્ટમેન્ટમાં બોલાવી વંદના ઉર્ફે વાન્શીકાએ વૃદ્ધ સાથે શરીર સંબંધ બાંધી વિડીયો બનાવી લીધો હતો અને વૃદ્ધ પાસે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી જે દરમિયાન અલી નામનો શખ્શ આવી જતા તેની સાથે બોલાચાલી થઇ હતી અને વૃદ્ધની હત્યા કરી દેવામાં આવી હતી.

જે હત્યાને પગલે પીઆઈ બી બી ગોયલ, એસઓજી પીઆઈ આર વાય રાવલ અને તેની ટીમના એન.બી ડોડીયા, એમ.વી રબારી, જે.પી મેવાડા, હરેશ પરમાર, રાજુભાઈ મીયાત્રા સહીત ટીમ તપાસ ચલાવી હતી અને હત્યારાઓને દબોચી લેવા વિવિધ દિશામાં દોડધામ કરી હતી અને હત્યાના ગણતરીની કલાકોમાં આરોપી યાશીન ઉર્ફ નાનભાઈ સાંઢ-આટકોટ, અલી ઇકબાલ શેખ- રાજકોટ, વંદના ઉર્ફ વંશીકા વાઘેલા-અમદાવાદ-હાલ રાજકોટ અને ગાયત્રીબા રવિરાજસિંહ પરમાર-રાજકોટ વાળાને ઝડપી લેવામાં આવ્યા છે.

તો હનીટ્રેપમાં નિર્દોષ લોકોને ફસાવી રૂપિયા પડાવતી ટોળકીએ અગાઉ કેટલા લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે અને કેટલા રૂપિયા ઉઘરાવ્યા છે તે દિશામાં તપાસ ચલાવી છે સાથે જ આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.