મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ દોઢ વર્ષ પહેલા શાસ્ત્રી મેદાન નજીક લાલબહાદુર સ્કૂલ પાસેથી એક વર્ષના બાળકનું અપહરણ કરનાર જામનગરના દંપતી અને 2 લાખની સોપારી આપનાર મહિલાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લઇ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. જામનગરના પૂર્વ પતિને જમીન વેચી હોય તેના 2 કરોડ રૂપિયા આવ્યા હોય જેથી લાલચ જાગતા આ બાળકનું અપહરણ કરાવી તેને તેનો દીકરો બનાવી ફરીથી લગ્ન કરી લીધા હતા અને જામનગર કોર્પોરેશનમાં પુત્રના નામની નોંધણી પણ કરાવી લીધી હોવાનું સામે આવ્યું છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના શાસ્ત્રી મેદાન સામે લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયના ખૂણે ફૂટપાથ ઉપર રહેતા મૂળ એમપીના મમતાબેન જામસીંગ ભુરીયાનો એક વર્ષનો દીકરો જીગો ગત તારીખ 25 મેં 2019ના રોજ ગુમ થઇ જતા પ્રનગર પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

બનાવ અનડિટેક્ટ હોય ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ડીસીબી પીઆઇ વી કે ગઢવીના માર્ગદર્શન હેઠળ વિવિધ ટિમો કામે લગાવી હતી દરમિયાન પીએસઆઇ એમ વી રબારીના હ્યુમન રિસોર્સથી એવી માહિતી મળી હતી કે આ બાળકની તસ્કરી કરવામાં આવી છે. તેમજ એએસઆઇ જયુભા પરમાર, પ્રતાપસિંહ ઝાલા અને હરદેવસિંહ જાડેજાને બાતમી મળી હતી કે જામનગર શંકર ટેકરી ખાતે રહેતી સલમા નામની મહિલાએ આ બાળકની ખરીદી કરી છે. તેણીએ હાલ નાથાલાલ નામના શખ્સ સાથે લગ્ન કર્યા છે અને ખંભાળિયા ખાતે રહે છે.

જો કે પોલીસને ખબર પડી ગઈ છે તેવી જાણ થઇ જાય તો બાળક ઉપર જોખમ વધી જાય તેવી ભીતિએ અચાનક જ પોલીસે છાપો માર્યો હતો  અને ત્યાંથી બાળક હેમખેમ મળી આવતા તેનો કબ્જો લઇ પૂછતાછ કરતા સલમા ભાંગી પડી હતી અને પોતે દ્વારકા રહેતા સલીમ હુસેનભાઇ સુભણીયા અને તેની પત્ની ફરીદાને આ બાળકની તસ્કરી કરાવવા 2 લાખમાં સોપારી આપી હોવાની અને 1 લાખ ચૂકવી દીધા હોવાની કબૂલાત આપતા પોલીસે સલમા, ફરીદા અને ખંભાળિયા નદીના પટમાં રહેતી મુખ્ય સૂત્રધાર ફાતિમા ઉર્ફે સલમા ઉર્ફે સીમા અબ્દુલમિયાં નાનુમીયા કાદરીની ધરપકડ કરી દોઢ વર્ષ જૂનો ગુનો ઉકેલી નાખ્યો છે.