મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: શહેરના કોઠારીયા રોડ પર વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. મહત્વની વાત છે કે, આરોપી પોતે પણ બે પુત્રીઓનો પિતા છે. છતાં પારકી કિશોર વયની દીકરી સાથે દુષ્કર્મ કરતાં તેની અંતરઆત્મા પણ જાગી ન હતી. પારસ ઉર્ફે સાગરભાઈ કોળી નામના આ શખ્સે ભાઈને મારી નાખવાની ધમકી આપી છેલ્લા એક મહિનામાં 11 વર્ષીય સગીરાના દેહને ત્રણ વખત ચુથ્યો હતો. જો કે સગીરાના માતા-પિતાને જાણ થતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. અને પોલીસે ગણતરીની કલાકોમાં નરાધમને જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ એક મહિના પૂર્વે તેણીની 11 વર્ષની સગીરવયની પુત્રીની પારસ વારંવાર બિભત્સ ઈશારા કરી છેડતી કરતો હતો. એટલું જ નહીં એક માસ પહેલા સગીરાના માતા-પિતા દવાખાને ગયા હોય  હવસખોરે નવેરાની વંડી ટપી રૂમમાં ઘુસી બાળાને મોંઢે ડુચો દઈ બળજબરી આચરી દુષ્કર્મ પણ આચર્યું હતું. બાળા જેને માસા કહેતી હતી તે જ ઢગાએ હદ વટાવી દેતાં લોકોમાં ફીટકારની લાગણી જન્મી છે.

આ ફરિયાદને આધારે મહિલા પોલીસના પીએસઆઈ એન.બી.ડોડીયા સહિતના સ્ટાફે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પારસની ધરપકડ કરી છે. હાલ સગીરા અને પારસનું મેડિકલ ચેકઅપ કરાવવા તજવીજ હાથ ધરાઈ છે. આવતીકાલે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે. બીજીતરફ માસુમ સગીરા જેને માસા કહેતી હતી તે બે દીકરીઓના પિતાએ આચરેલી આ હરકતને લઈને ચોતરફ ફિટકાર વરસી રહ્યો છે.