મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રુપાણીના નેતૃત્વમાં પરિવર્તન થઈ રહ્યું છે, તેવા સંદર્ભના સમાચાર લખનાર વેબ પોર્ટલના પત્રકાર ધવલ પટેલને અમદાવાદ સેશન્સ કોર્ટે જામીન પર છોડવાનો હુકમ કર્યો છે. આ કેસમાં ધવલ પટેલ સામે રાજદ્રોહ લાગતો નથી તેવી દલીલ ગુજરાત હાઈકોર્ટના સીનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિકે કરી હતી. જ્યારે સરકાર પક્ષે મુખ્ય સરકારી વકીલ સુધિર બ્રહ્મભટ્ટે ધવલ પટેલ પોતાના લેખ દ્વારા અરાજકતા ફેલાવા માગતા હતા તેવું જણાવ્યું હતું. બંને પક્ષોને સાંભળ્યા પછી સેશન્સ જજ પ્રેરણા ચૌહાણએ કેટલીક શરતોને આધીન ધવલ પટેલને જામીન પર મુખ્ત કરવાનો આદેશ આપ્યો છે.

ગુજરાતમાં કોરોનાને કારણે જે સ્થિતિ નિર્માણ થઈ છે જેને કારણે ભાજપ હાઈકમાન્ડ નેતૃત્વ પરિવર્તન કરી મુખ્યમંત્રી વિજય રુપાણીને હટાવી તેમના સ્થાને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને મુકી શકે છે તે મતલબના સમાચાર પત્રકાર ધવલ પટેલે પોતાના વેબ પોર્ટલ પર મુક્યા હતા. જેને કારણે નારાજ થયેલી વિજય રુપાણી સરકારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ધવલ પટેલ સામે રાજદ્રોહની ફરિયાદ નોંધાવી ધવલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં ધવલ પટેલ સાબરતમતી જેલમાં છે.

ધવલ પટેલની ધરપકડને ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિકે ગુજરાત હાઈકોર્ટ અને અમદાવાદ સેશન્સ કોર્ટમાં પડકારી હતી. બે અલગ અલગ પીટીશનમાં આનંદ યાજ્ઞિકે ધવલ પટેલને જામીન આપવા તેમજ હાલ તુરંત તપાસને અટકાવી દેવાની માગણી સાથે ફરિયાદ રદ્દ કરવાની માગણી હાઈકોર્ટ સામે કરી હતી.

અમદાવાદ સેશન્સ કોર્ટમાં ધવલ પટેલ તરફથી રજૂઆત કરતાં આનંદ યાજ્ઞિકે રજૂઆત કરી કે સમાચાર લખવાને કારણે રાજદ્રોહ થાય છે તે હકીકત વાજબી નથી. રાજદ્રોહમાં સૌથી અગત્યનો મુદ્દો હેતુ હોય છે. આ કિસ્સામાં અરાજકતા ફેલાવવાનો કોઈ હેતુ નથી. એડવોકેટ આનંદ યાજ્ઞિકે આ સંદર્ભમાં વિવિધ કોર્ટ્સ દ્વારા અપાયેલા નિર્ણયો પણ ટાંક્યા હતા. જેમાં રાજદ્રોહ લાગુ પડતો નથી તેવા ચુકાદા હતા.

મુખ્ય સરકારી વકીલ સુધિર બ્રહ્મભટ્ટની દલીલ હતી કે આરોપી ધવલ પટેલ આ પ્રકારની હરકત કરવા ટેવાયેલો વ્યક્તિ છે. હાલમાં જ્યારે દેશમાં કોરોનાની મહામારી છે ત્યારે આ પ્રકારના સમાચાર પ્રસિદ્ધ કરી અરાજકતા ઊભી કરવાનો ઈરાદો હતો. ધવલ પટેલના એડવોકેટ દ્વારા જે ચુકાદાઓ ટાંકવામાં આવ્યા છે, તે આ કેસમાં પ્રસ્તુત નથી. ધવલ પટેલને જામીન આપવામાં આવે તેની સામે અમારો વિરોધ છે.

સેશન્સ જજ પ્રેરણા ચૌહાણે બંને પક્ષકારોને સાંભળ્યા પછી ધવલ પટેલને રૂપિયા પચાસ હજારના બોન્ડ આપવા સહિત ભારત નહીં છોડવાની શરતે જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.