મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ શિક્ષક ભરતી વર્ષ ૨૦૧૮માં  સામાન્ય વર્ગથી ખાલી પડેલ ૧૧૬૭ જેટલી પદ માટે એસટી વર્ગના વિદ્યાર્થીઓથી ભરવાની માંગે લઈને એસટી વર્ગના વિદ્યાર્થીઓ અને તેમના સમર્થકો છેલ્લાં ૧૮ દિવસોથી ભૂવાલી ગામના કાંકરી ડુંગરી પર ચાલી રહેલા શાંતિ પૂર્વક વિરોધ પછી આંદોલને ઉગ્રરૂપ ધારણ કરતા ડુંગરપુર પાસે આંદોલનકારીઓ નેશનલ હાઈવે.નં-૮ પર  અસંખ્ય ગાડીઓ,પેટ્રોલપંપ,અને દુકાનો સળગાવી દેવામાં આવી હતી. આંદોલને હિંસક રૂપ ધારણ કરતા ડુંગરપુર નજીક સામાજિક અગ્રણીઓ,નેતાઓ અને સ્થાનિક પ્રશાસન તંત્ર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને શિક્ષક ભરતી અંગે રાજસ્થાન સરકાર સુપ્રીમકોર્ટ માં જશે ની હૈયાધારણા આપવામાં આવતા આંદોલનકારીઓએ શરતી સમાધાન સ્વીકારી આંદોલન સમેટી લીધું હતું.

આ અંગે રાજસ્થાનના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ૩ હજારથી વધુ લોકો સામે ૪૦ થી વધુ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી રાજસ્થાન પોલીસે આંદોલન સમેટાય બાદ ધીરે ધીરે આરોપીઓની ધરપકડ શરુ કરવામાં આવી છે અને અત્યારસુધી ૮૬ લોકોની ધરપકડ થઇ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. પોલીસે ધરપકડ શરૂ કરતા લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

રાજસ્થાન પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે,શિક્ષક ભરતી આંદોલનમાં ડુંગરપુર નજીકથી પસાર થતા ને.હા.નં-૮ પર ઉપદ્રવ મચાવનાર અને હાઈવે તથા આજુબાજુના વિસ્તારોમાં હિંસક આંદોલનમાં સંડોવાયેલ અને પોલીસ પર હુમલો કરનાર લોકો સામે વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાતા રાજસ્થાન પોલીસે આજે ૧૧ લોકોની ધરપકડ સાથે ૮૦ થી વધુ લોકોની ધરપકડ કરતા આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. રાજસ્થાન પોલીસ સ્થાનિક અગ્રણીઓ સાથે રાખી હિંસામાં સામેલ લોકોની ધરપકડ શરૂ કરવામાં આવી છે.

ડુંગરપુર  જીલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે-૮  પર હિંસા અને હુલ્લડ પર ઉતરી આવેલ લોકોની પોલીસે ધરપકડની ઝુંબેશ શરુ કરી દીધી છે. એડીશ્નલ એસપી ગણપતિ મહાવાર અને તેમની ટીમ પર હુમલો કરનાર ૧૧ ઉપદ્રવીઓની ઓળખ સાથે ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક શિક્ષક પણ હોવાની માહીતી પ્રાપ્ત થઇ હતી.

રાજસ્થાની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ હિંસા ભડકાવવાના કેસમાં કેટલાક રાજકીય અગ્રણીઓની ભૂમિકા સામે આવી રહી છે, જેની પોલીસ તપાસ કરી રહી છે.અને રાજકીય અગ્રણીઓની સંડોવણી હોવાનું તપાસમાં બહાર આવશે તો રાજકીય અગ્રણીઓની પણ ધરપકડ કરતા પોલીસ ખચકાશે નહીં નું જણાવ્યું હતું.