મેરાન્યૂઝ નેટવર્ક.શામળાજીઃ શિક્ષણ ક્ષેત્રે ભરતીમાં અનામતની માંગને લઈને છેલ્લા 10-12 દિવસથી રાજસ્થાનના નેશનલ હાઈવે 8 પાસે કાંકરી ડુંગર પર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ઉત્તર ગુજરાતના આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા આંદોલનને સમર્થન અપાયું છે. ગુરુવારે મોડી રાત્રે અને શુક્રવારે સવારે પણ શામળાજી હાઇવે પર કેટલાક લોકો વિરોધમાં ઉતરી આવતા અરવલ્લી પોલીસે લોકોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો અને જિલ્લા પોલીસવડા સંજય ખરાતે બોર્ડર પર મુલાકાત કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરી અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે નંબર-૮ પર શામળાજીથી રાજસ્થાન પ્રવેશતા વાહનોને ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. રાજસ્થાનના આંદોલનની આગ ગુજરાતમાં પણ પ્રસરી હોય તેમ અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર આવેલા શામળાજી નજીક શ્યામલવન પાસેથી પસાર થતા દૂધના ટેન્કર પર ટોળાએ પથ્થરમારો કરતા ટેન્કર ચાલક ફફડી ઉઠ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ શામળાજી પોલીસને કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડવા પ્રયાસ આદર્યા હતા.

રાજસ્થાનના ડુંગરપુરમાં શિક્ષકોની ભરતીમાં બિન અનામત જગ્યાને અનામતમાં ફેરવવાની માંગને લઈને આંદોલનકારીઓએ ગુરુવારે રાત્રેથી હિંસકરૂપ ધારણ કર્યું હોય તેમ ગાડીઓ અને પેટ્રોપ પંપમાં આગ લગાવી હતી. તેમજ સીસીટીવી કેમેરાઓ તોડી નાખ્યા હતા. ઉદયપુર-અમદાવાદ હાઈવે જામ કરી દીધો હતો. સિસોદમાં મોતલીમોડ વચ્ચે પાંચ કિમીના વિસ્તાર પર કલાકથી દેખાવકારોએ કબજો કર્યો હોય તેવો માહોલ પ્રવર્તી રહ્યો છે. ઉત્તર ગુજરાતના આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા આંદોલનને સમર્થન અપાયું છે.

ગુરુવારે મોડી રાત્રે અને શુક્રવારે સવારે પણ શામળાજી હાઇવે પર કેટલાક  લોકો વિરોધમાં ઉતરી આવતા અરવલ્લી પોલીસે લોકોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો ત્યારે શુક્રવારે રાત્રે શામળાજીના શ્યામલવન નજીક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હાઈવે પરથી પસાર થતા વાહનો પર પથ્થર મારો થતા વાહનચાલકોમાં ભય છવાયો છે. અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર સતત બોર્ડર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે સતર્ક બની છે ત્યારે રાજસ્થાનમાં શિક્ષકોની ભરતીને લઈને થઇ રહેલ પ્રદર્શનની આગ ગુજરાતમાં પ્રસરે નહીં તે માટે તંત્રએ સાવચેતી રાખી હતી.