મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ રાજસ્થાનમાં શિક્ષકોની ભરતીનું આંદોલન ઉગ્ર બન્યું હતું ડુંગરપુર નજીક હાઇવે પર આંદોલનકારીઓ રસ્તા પર ઉતરી આવી વાહનો સળગાવતા શામળાજી-ઉદેપુર ને,હા.નં-૮ પર રતનપુર ચેકપોસ્ટ પરથી રાજસ્થાનમાં પ્રવેશતા વાહનોને અરવલ્લી પોલીસે અટકાવી દીધા હતા. જેની સીધી અસર ઉત્તર ગુજરાતથી રાજસ્થાન જતા હાઈવે પર પડી હતી.  રાજસ્થાન જતા નેશનલ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. ત્રણ દિવસથી  શામળાજીથી ઉદયપુર જતા નેશનલ હાઈવેને બંધ કરાતા મોડાસાના ગાજણ ટોલ પ્લાઝા પાસે વાહનોને રોકવામાં આવતા લાંબી કતારો લાગી હતી. ઉદયપુર જવા વાયા પાલનપુરનું ડાયવર્ઝન અપાયું હતું પણ ટ્રક ચાલકોને ૧૦૦ કીમી થી વધારે ચક્કર ખાવું પડતું હોવાથી ઢાબા અને રોડ સાઈડ પડી રહેવા મજબુર બન્યા હતા ત્યારે ડુંગરપુર નજીક સામાજિક અગ્રણીઓ,નેતાઓ અને સ્થાનિક પ્રશાસન તંત્ર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને શિક્ષક ભરતી અંગે રાજસ્થાન સરકાર સુપ્રીમકોર્ટ માં જશે ની હૈયાધારણા આપવામાં આવતા આંદોલનકારીઓએ શરતી સમાધાન સ્વીકારી આંદોલન સમેટી લેતા હાઈવે પુર્વરત થઇ રહ્યો છે.
 
રાજસ્થાનના ડુંગરપુર નજીક આંદોલન કરી રહેલા આંદોલન કારીઓએ ગુરુવારે રાત્રે હાઈવે પરથી પસાર થતા વાહનો પર પથ્થરમારો કરવાની સાથે હાઈવે પર ઉતરી આવી તોડફોડ કરતા શામળાજી થી ઉદયપુર હાઈવે બંધ રાખવાની ફરજ પડતા હજ્જારો ટ્રક ચાલકો ત્રણ દિવસથી ફસાયા હતા અને ભારે હાલાકીનો સામનો વેઠવો પડ્યો હતો. ત્યારે રવિવારે સાંજે ખેરવાડા પંચાયત સમિતિ કાર્યાલય ખાતે આંદોલનકારીઓ સાથે સ્થાનિક નેતા અને પ્રશાસન તંત્ર સાથે રાજસ્થાન સરકારના ઈશારે બેઠક યોજ્યા બાદ આંદોલન સમેટી લેતા ત્રણ દિવસથી બંધ રહેલો હાઈવે પર વાહનોની અવર-જ્વર શરૂ થઈ છે ટ્રક ચાલકોમાં આનંદ છવાયો હતો.