મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: રાજ્યમાંથી પરપ્રાંતીય લોકોને વતન મોકલવા માટે પુરજોશમાં કામગીરી આદરી છે. કેટલાક પરપ્રાંતીય લોકો સ્થાનિક પ્રશાસન તંત્ર પાસે પાસ મેળવી વતનની વાત પકડી છે. કેટલાય શ્રમિકો પગપાળા વતન તરફ પ્રયાણ કર્યું છે. રાજસ્થાન સરકારે અગાઉ પણ શ્રમિકોને રાજસ્થાનમાં પ્રવેશ કરતા અટકાવ્યા હતા ત્યારે વધુ એકવાર રાજસ્થાન સરકારે શામળાજી રતનપુર ચેકપોસ્ટથી પ્રવેશતા રાજસ્થાની સહીત અન્ય રાજ્યના લોકોને પ્રવેશ અપાતા અટકાવતા રતનપુર ચેકપોસ્ટ પર હોબાળો થયો હતો. વાહનો મારફતે પ્રવેશવા માંગતા લોકોને રાજસ્થાન પોલીસે અટકાવતા વાહનોની લાંબી કતાર લાગી હતી. શામળાજી સહીત જિલ્લા પોલીસતંત્ર માટે કોયડારૂપી પ્રશ્ન બન્યો છે . જિલ્લા પોલીસવડા મયુર પાટીલે પરપ્રાંતીય યાત્રિકોને ગૃહ મંત્રાલય તરફથી મળેલ પાસ મળેલ હોય તેમને જ રતનપુર ચેકપોસ્ટ તરફ આવવા અપીલ કરી હતી.  

લોકડાઉનમાં ધંધા-રોજગાર બંધ થતા પરપ્રાંતીય લોકોની હાલત દયનિય બનતા પરપ્રાંતીય લોકો એનકેન પ્રકારે પણ વતન જવા અધીરા બન્યા છે રાજસ્થાન સરકારે અચાનક ૬ મેં પછીના પછીના પાસધારકોને રાજસ્થાન સરકારે પ્રવેશ પ્રતિબંધ મૂકી દેતા રાજસ્થાન બોર્ડર પર સ્થિતિ વણસી હતી. અરવલ્લીની શામળાજી રતનપુર ચેકપોસ્ટ સરહદ પરથી પ્રવેશ આપવાનું બંધ કરી દેતા મોટી માથકૂટ સર્જાઈ છે.

રાજસ્થાનને અડીને આવેલ શામળાજી રતનપુર ચેકપોસ્ટ પરથી પરપ્રાંતીય યાત્રિકોને ગત રાત્રિથી પ્રવેશતા અટકાવતા પરપ્રાંતીયોના ટોળેને ટોળા વળ્યાં હતા ગાડીઓની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. પોલીસે સરકારની પરવાનગીનું બહાનું આપીને જાણે લોકોને રીતસરના રઝળાવી દેતા ૪૩ ડિગ્રી તાપમાનમાં લોકો વાહનોમાં અને રોડ પર રીતસરના શેકાઈ ગયા હતા. શામળાજી રતનપુર ચેકપોસ્ટ પર પરપ્રાંતીય વાહન ચાલકોની લાંબી કતારો જામતા અને રોડ પર ધાડેધાડા ઉતરતા શામળાજી અને અરવલ્લી જિલ્લા પોલીસતંત્રમાં ભારે દોડધામ મચી હતી. શામળાજી-રતનપુર ચેકપોસ્ટ પર અટવાયેલા પરપ્રાંતીયોને પોલીસે પરત મોકલતા ટ્રાફિકજામના દ્રશ્યો ઓછા થયા હતા. 

શામળાજી-રતનપુર સરહદ પર પરપ્રાંતીય લોકોની લાચારીની લાઇન જોવા મળી છે.અટવાયેલા પરપ્રાંતીય યાત્રિકોને   ભોજન પીવાના પાણીના પણ ફાંફા છે. દરમિયાન રાજસ્થાન સરકાર તેમની મજબુરી પર પડ્યા માથે પાટું રહી હોય તેવો ઘાટ સર્જાયો છે. 

અરવલ્લી એસપી મયુર પાટીલે પરપ્રાંતીયોને અપીલ કરી 

રાજસ્થાન પ્રશાસન તંત્રે અરવલ્લી જિલ્લાની શામળાજી-રતનપુર આંતરરાજ્ય સરહદ પરથી પરપ્રાંતીય લોકોને પ્રવેશતા અટકાવતા અરવલ્લી જિલ્લા પોલીસતંત્ર માટે નવી આફત પેદા થઇ રહી છે. જિલ્લા પોલીસવડા મયુર પાટીલે પરપ્રાંતીય યાત્રિકો અને શ્રમિકોને અપીલ કરી જણાવ્યું હતું કે રાજસ્થાન પ્રશાસન તંત્ર કલેક્ટરનો પાસ ગ્રાહ્ય રાખતા ન હોવાથી ફક્ત ગૃહ મંત્રાલય તરફથી આપવામાં આવેલ પાસને માન્ય રાખી પ્રવેશ આપે છે. જેથી ગૃહ મંત્રાલય તરફથી પાસ મળ્યો હોય તો જ અરવલ્લી જિલ્લાની સરહદ પર આવવા અપીલ કરી જિલ્લા પ્રશાસન તંત્રને સહકાર આપવા અપીલ કરી હતી.