મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ મોટાભાગે વિવાદોમાં રહેતી અભિનેત્રી પાયલ રોહતગીની રાજસ્થાનની બુંદી પોલીસે ધરપકડ કરી છે. પાયલને ગુજરાતના અમદાવાદમાંથી પકડી પાડવામાં આવી હતી. આ અંગે પાયલે સોશ્યલ મીડિયાથી એક મેસેજ કર્યો હતો અને સાથે જ આ વાતની પૃષ્ટી બુંદી પોલીસે પણ કરી છે.

બુંદી એસપી મમતા ગુપ્તાએ કહ્યું કે, પાયલ રોહતગીને ધરપકડ કરીને બુંદી લઈ જવાઈ રહી છે. પાયલે પૂર્વ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરુ પર ટિપ્પણી કરી હતી. જે પછી તેની સામે આઈટી એક્ટ કલમ 66, 67માં કેસ દાખલ કરાયો છે. જાણકારી મુજબ આ કેસ બુંદીના સદર પોલીસ મથકે દાખલ કરાયો છે.

પાયલ રોહતગી દ્વારા કરાયેલી સોશ્યલ મીડિયા પોસ્ટની વાત કરીએ તો લખ્યું છે કે, મને મોતી લાલ નેહરુ પર બનાવાયેલા એક વીડિયો માટે રાજસ્થાન પોલીસ દ્વારા પકડીને ધરપકડ કરાઈ છે. વીડિયોમાં અપાયેલી જાણકારી મેં ગૂગલથી કાઢી હતી. શું અભિવ્યક્તિની આઝાદી એક મઝાક છે? પાયલે પોતાના આ વીડિયોમાં પીએમઓ ઈન્ડિયા અને ગૃહમંત્રાલયને પણ ટેક કર્યા છે.

આપને જણાવી દઈએ કે સોશ્યલ મીડિયા પર 21 સપ્ટેમ્બર 2019એ પાયલ રોહતગી તરફથી વીડિયો પોસ્ટ અપલોડ કરાઈ હતી. જેમાં પૂર્વ સ્વતંત્રતા સેનાની મોતીલાલ નેહરુ અને પૂર્વ પીએમ જવાહરલાલ નેહરુ તથા ઈંદિરા ગાંધીને લઈને અયોગ્ય ટિપ્પણી કરાઈ હતી. પાયલ રોહતગી સામે સમાજસેવી અને યૂથ કોંગ્રેસના નેતા ચર્મેશ શર્માએ ફરિયાદ દાખલ કરી હતી.

ફરિયાદ કર્તા ચર્મેશ શર્માનો આરોપ છે કે, પોસ્ટમાં પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીની મૃત્યુને લઈને પણ એવી વાતો કરાઈ છે જેનાથી ભારતના વિદેશના સંબંધોને અસર પડી શકે છે. તેમણે કહ્યું કે, પોસ્ટ ધાર્મિક ભાવનાઓને નુકસાન કરનારી છે સાથે જ રાષ્ટ્રીય એક્તા અને અખંડિત્તાથી વિપરિત છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાયલને બુંદી સદરની પોલીસ શુક્રવારે અમદાવાદ આવી અને રવિવારે સાથે લઈ ગઈ હતી.