મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટમાં વિજય રુપાણીના આજે ઘણા કાર્યક્રમોને પગલે પ્રવાસે છે. આ દરમિયાન તેમણે રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહેલોતને પણ આડે હાથે લીધા હતા. બાબત એ છે કે અશોક ગહેલોતે ગુજરાતની મુલાકાત દરમિયાન ગુજરાતમાં ઘરે ઘરે દારુ પીવાય છે તેવું નિવેદન આપ્યું હતું. જે પછી વિજય રુપાણી, જીતુ વાઘાણી અને ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા દ્વારા આ નિવેદન ગુજરાત અને ગાંધીના અપમાન સમાન ગણાવ્યું હતું. બાદમાં કોંગ્રેસે પણ પોતાની નિષ્ફળતાને ગુજરાતની અસ્મિતા સાથે ન જોડવાની ભાજપને સલાહ આપી હતી. આજે ગહેલોત પર વાકબાણ ચલાવતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ તેમને ચેલેન્જ ફેંકી કે તાકાત હોય તો રાજસ્થાનમાં દારુબંધી કરાવી દે.

તેમણે આ સાથે એ પણ કહ્યું કે, રાજસ્થાનની મહિલાઓ દારુબંધીની માગણી કરી રહી છે. તેવામાં જો ગહેલોતની હિંમત હોય તો રાજસ્થાનમાં દારુબંધી કરીને બતાવે. પોતાના દ્વારા કરાયેલી ટિપ્પણી પર ગુજરાતની જનતાની તેમણે માફી માગવી જોઈએ.

દશેરાના શુભ અવસર પર 2176 પરિવારોને આપ્યું પોતાનું ઘર

મુખ્ય પ્રધાન રુપાણીએ આજે રાજકોટમાં રુડા અને મનાના ઘણા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું છે અને દશેરાના શુભ અવસરે 2176 પરિવારોને પોતાનું ઘર આપ્યું છે. સાથે જ બાવડી વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને માધાપરથી માલિયાસણ સુધી એલઈડી લાઈટ્સનું લોકાર્પણ તેમણે કર્યું છે. તેમણે પોતાના સ્વ. પુત્ર પુજિતના જન્મ દિવસના અવસર પર તેની યાદમાં ખાસ કાર્યક્રમ અંતર્ગત ઝૂપડીઓમાં રહેનારા ગરીબ બાળકોને શહેરના ફનવર્લ્ડ રાઈડ્સમાં આનંદ કરાવ્યો હતો. પત્ની અંજલી રુપાણીએ પણ સાથે બેસી આ બાળકો સાથે ભોજન લીધું હતું.

અચાનક સ્ટેજ પર પહોંચ્યો એક યુવક, મુખ્ય પ્રધાને મંગાવી તેની ફાઈલ

મુખ્યપ્રધાનના કાર્યક્રમ દરમિયાન એક યુવક સ્ટેજ સુધી પહોંચી ગયો હતો અને તેમનું નામ લઈને પોતાનું કામ કરવા માટે વિનતી કરી રહ્યો હતો. જોકે પોલીસે આ યુવકની અટકાયત કરી લીધી હતી. પરંતુ યુકવની વાતને ધ્યાને લઈ રુપાણીએ સંબંધિત અધિકારી પાસેથી તેની ફાઈલ મંગાવી હતી. સીએમ દ્વારા ફાઈલ માગવાને કારણે અધિકારીઓના પગનીચેથી જમીન ખસકવા લાગી હતી. પરંતુ એટલા ચુસ્ત બંધોબસ્ત વચ્ચે આ યુવક સ્ટેજ સુધી કેવી રીતે પહોંચ્યો તે બાબતને લઈને લોકોમાં વિવિધ ચર્ચાઓ છે.