જય અમીન (મેરાન્યૂઝ.અરવલ્લી): અરવલ્લી જીલ્લામાં યુવતીઓ અને સગીરાના અપહરણના અનેક કિસ્સાઓ નોંધાઈ ચુક્યા છે ત્યારે માલપુર તાલુકાના જીતપુર ગામના વાલ્મીકી ફળીયામાં રાજસ્થાનથી ૧૫ ગાડીઓમાં પુરુષ અને મહિલાઓ ત્રાટકી ૭ વર્ષીય બાળક અને તેના પિતાનું અપહરણ કરી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી છે. રાજસ્થાનની યુવતી સાથે વાલ્મીકી સમાજના યુવકે પ્રેમલગ્ન કરી લેતા યુવતીના પરિવારજનો અને સગા-સંબંધી પ્રેમલગ્ન કરનાર યુવકના કૌટુંબીક ભાઈ અને પુત્રને ઉઠાવી લઇ તેમના ઘરમાં તોડફોડ કરવાની સાથે લૂંટ ચલાવતા સમગ્ર પંથકમાં ભારે ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે. જો કે વાલ્મીકી સમાજના લોકોએ પિતા-પુત્રનું અપહરણ થતા ગાડીઓનો પીછો કરી એક ગાડી પકડી લઇ ગાડીમાં સવાર મહિલાઓ અને પુરુષને માલપુર પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરી પિતા-પુત્રના અપહરણનો ગુનો દાખલ કરવા તજવીજ હાથધરી હતી. માલપુર વાલ્મીકી સમાજના અગ્રણી લાલજી ભગતે પિતા-પુત્રના અપહરણની ઘટના અંગે જીલ્લા કલેકટર અને પોલીસવડાને ટેલિફોનીક જાણ કરી અપહત્ય પિતા-પુત્રનો ઝડપથી છુટકારો થાય તેવી માંગ કરી હતી.

પ્રાપ્ત માહીતી અનુસાર, રવિવારે પ્રેમ લગ્નની અદાવતમાં માલપુર તાલુકાના જીતપુર ગામે વાલ્મિકી ફળિયામાં બિહાર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજસ્થાનથી ૧૫ થી વધુ વિવિધ વાહનોમાં યુવાનો, મહિલાઓ અને પુરુષો ત્રાટકી એક મકાનમાં તોડફોડ કરવાની સાથે ઘરમાં રહેલા પિતા અને તેમના ૭ વર્ષીય બાળકનું અપહરણ કરતા ભારે દેકારો મચી ગયો હતો. વાલ્મિકી ફળિયામાં રહેતા એક યુવકે રાજસ્થાનની અન્ય સમાજની યુવતી સાથે પ્રેમલગ્ન કરી લેતા સમગ્ર ઘટનાક્રમ સર્જાયો હતો. પ્રેમલગ્ન કરનાર યુવક-યુવતી તો હાથ ન લાગ્યા પરંતુ યુવતીના પરિવારજનોનો રોષનો ભોગ અન્ય નિર્દોષ પરિવારજનો બન્યા હતા. વાલ્મીકી ફળિયામાં રહેતા સંજય ભાઈ અને તેમના પુત્રનું ધોળે દહાડે અપહરણ થતા વાલ્મીકિ સમાજ સહીત સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે. રાજસ્થાનથી ૧૫ ગાડીઓમાં પહોંચેલા યુવતીના પરિવારજનોએ ઘરમાં તોડફોડ કરવાની સાથે પિતા-પુત્રનું અપહરણ કરી ફિલ્મીઢબે ગાડીઓ લઇ ભાગ્યા હતા.

Advertisement


 

 

 

 

 

પિતા-પુત્રનું અપહરણની જાણ વાલ્મીકિ સમાજના યુવકોને થતા ભારે હિંમત દાખવી જીવના જોખમે અન્ય વાહનમાં તેમનો પીછો કરી એક વાહનને ઝડપી લીધું હતું. વાહનમાં સવાર પુરુષ અને મહિલાઓને માલપુર પોલીસ સ્ટેશને સુપ્રત કરી ગુનો નોંધવા તજવીજ હાથધરી હતી. 

આ અંગે મેરાન્યૂઝના સંવાદદાતા જય અમીન સાથેની ટેલીફોનીક વાતચિતમાં ડીવાયએસપી ભરત બસીયાએ જણાવ્યું કે, પિતા-પુત્રનું અપહરણ તેમના અંગત કારણોસર કરવામાં આવતા પોલીસ તાત્કાલીક સક્રીય થતા અપહરણ કરનાર કેટલાક શખ્સોને પોલીસે ઝડપી લીધા છે અને પોલીસે અપહરણ કરનાર લોકોને ઝડપી પાડવા તજવીજ હાથધરી દબાણ બનાવતા અપહરણ કરનાર શખ્સો અપહત્ય પિતા-પુત્રને પરત મુકવા આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.