મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લામાં વાહનચાલકો ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરી બેફામ ગતિએ વાહન હંકારતા અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. રાજસ્થાનના રાજસમંદ જીલ્લાના દેવગઢ નગરપાલિકાના કોર્પોરેટરની કાર માલપુરના ટીસ્કી નજીક પલ્ટી જતા કારમાં સવાર અન્ય એક કોર્પોરેટર સહીત બંને કોર્પોરેટર ઈજાગ્રસ્ત થતા અકસ્માતને પગલે દોડી આવેલા લોકોએ બંને ઈજાગ્રસ્ત કોર્પોરેટરને સારવાર અર્થે મોડાસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. કારમાં સવાર અન્ય બે લોકોના શરીરે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. 

રાજસ્થાનના રાજસમંદ જીલ્લાની દેવગઢ નગર પાલિકાના કોર્પોરેટર રાજેશ એસ મેવાડા તેમના સાથી કોર્પોરેટર હંસરાજ એમ કંસારા અને અન્ય બે મિત્રો સાથે એસયુવી કાર લઈ સુરત જવા નીકળ્યા હતા. મોડાસા-ગોધરા હાઈવે પર ટીસ્કી ગામ નજીક કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર બે ત્રણ પલ્ટી ખાઈ રોડની બાજુમાં આવેલા ખેતરમાં ખાબકતા કારનો ખુડદો બોલાઈ ગયો હતો. કાર ધડાકાભેર પલ્ટી જતા આજુબાજુ થી લોકો અને વાહનચાલકો દોડી આવ્યા હતા અને કારમાંથી ચાર લોકોને બહાર કાઢ્યા હતા. જેમાં બે કોર્પોરેટરના શરીરે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે મોડાસા ખસેડાયા હતા સદનસીબે ગમખ્વાર અકસ્માતમાં જાનહાની ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.