મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ હાલમાં રાજસ્થાનની સરકાર પર ઘાત મંડરાઈ રહી છે તેવા સંજોગોમાં સચિન પાયલટ અને મુખ્યમંત્રી અશોક ગહેલોત વચ્ચેની ખુરશીની ખેંચતાણે અલગ જ વળાંક લીધો છે. એક બાજુ રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા મુખ્યમંત્રી અશોક ગહેલોત તો બીજી બાજુ સચિન પાયલટનું નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ તરીકેનું પદ હવે છીનવી લેવામાં આવ્યું છે.

હાલમાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા છે. જેમાં રાજસ્થાનના મામલે પણ વાત થશે તે અંગે જાણકારી મળી રહી છે. આ બાજુ પોતાનું પદ્દ અને જે ખુરશી હતી તે ખુરશી પણ ખેંચાઈ જતાં સચિન પાયલટે સોશિયલ મીડિયામાં સંદેશ મુક્તાં કહ્યું કે, સત્યને પરેશાન કરી શકાય છે હરાવી શકાતું નથી.

જયપુરમાં કોંગ્રેસ મુખ્યાલયથી સચિન પાયલટની નેમ પ્લેટને પણ હટાવી દેવામાં આવી છે. તેમને નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશાધ્યક્ષ પદ પરથી હટાવી દેવાયા છે. તેમના સ્થાને ગોવિંદ સિંહ ડોટસારા પ્રદેશાધ્યક્ષની જવાબદારી સંભાળશે. રાજસ્થાનમાં અશોક ગહેલોત અને સચિન પાયલટ વચ્ચે કેટલાક દિવસોથી ખેંચતાણ ચાલી રહેલી દેખાઈ રહી છે. આ દરમિયાનમાં કોંગ્રેસ પાર્ટીએ પહેલા પાયલટને મનાવવાના ખુબ પ્રયત્નો કર્યા પરંતુ જ્યારે તેમને લાગ્યું કે તે હવે નહીં માને તો તેમને હવે નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ તરીકેના પદ પરથી હટાવી દીધા છે. ત્યાં જ બીજી તરફ મુખ્યમંત્રી ગહેલોત પણ રાજ્યપાલ કલરાજ મિશ્રાને મળ્યા છે.