મેરાન્યૂઝ નેટવર્ક.બિકાનેર: રાજસ્થાનના બિકાનેર જિલ્લાના લખાસર વિસ્તારમાં સોમવારે વહેલી પરોઢે ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. નેશનલ હાઈવે-11 પર શ્રીડુંગરગઢની પાસે એક પેસેન્જર બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં લગભગ 10 લોકોનાં મોત થયાના અહેવાલ છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત બાદ ટ્રક અને બસમાં આગ લાગવાના કારણે બસમાં અફરાતફરી થઈ ગઈ હતી. આગ લાગવાના કારણે કેટલાક મુસાફરો બસમાં ફસાઈ ગયા. લખાસરના જોધાસર-ઝંઝેરુ ગામની વચ્ચે થયેલા આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને હજુ કેડલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વહેલી પરોઢે ધુમ્મસના કારણે ટ્રક ચાલકને સામે આવી રહેલી મિની બસ ન દેખાઈ જેના કારણે બંને વચ્ચે ટક્કર થઈ ગઈ. ટક્કર એટલી જોરદાર હતી કે દૂર સુધી તેનો અવાજ સંભળાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને તંત્ર ઘટનાસ્થળે પહોંચી રાહત કામગીરીમાં જોતરાઈ ગયા હતા. ઘાયલોને PBM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અકસ્માતમાં બસનો આગળનો ભાગ ચીમડાઈ ગયો હતો. અનેક મુસાફરો તેના કારણે બસમાં જ ફસાઈ ગયા હતા. તેમને બહાર કાઢવા માટે ઘટનાસ્થળે કટર મંગાવવામાં આવ્યું હતું. કટરથી બસને કાપ્યા બાદ મુસાફરો બહાર કાઢી શકાયા. દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોમાં મહિલાઓ અને બાળકનો પણ સમાવેશ થાય છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે આ કરૂણ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતાં ટ્વિટ કરતાં લખ્યું કે, મૃતકોના પરિજનોને આ વિકટ સ્થિતિનો સામનો કરવાની શક્તિ આપે. ઘાયલો માટે મારી પ્રાર્થના.