મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: રાજ્યમાં દિવસને દિવસે ખેડૂતોની સ્થિતિ દયનીય બની રહી છે. આવી સ્થિતિથી હારી ખેડૂત આપઘાત કરી રહ્યો છે. લીલા દુષ્કાળ પછી કમોસમી વરસાદે મગફળી અને કપાસ સહીત અન્ય પાકનો દાટ વાળી દેતા જગતના તાત માટે પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. ખેડૂતો મોંઘાદાટ બિયારણ અને જંતુનાશક દવાનો ખર્ચ અને રાત દિવસ મજૂરી પછી ખેતર લહેરાતા પાકને કુદરતની થપાટ થી ચોપાટ થતા અને પોષણક્ષમ ભાવના અભાવે અનેક ખેડૂતોને આત્મહત્યા કરવા મજબુર કર્યા હોય તેવી અનેક ઘટનાઓ બની રહી છે.

અરવલ્લી જીલ્લામાં સપ્તાહમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખેડૂતોની મગફળી અને કપાસનો પાક મોટાપાયે નિષફ્ળ રહેતા ખેડૂતો ચિંતિત બન્યા છે. મોડાસા તાલુકાના મોદરસુંબા ગામની મહિલા ખેડૂતે ૩ વીઘા જેટલા ખેતરમાં વાવેલ મગફળી અને અડદનો પાક નિષ્ફ્ળ જતા પુત્રને પરણાવવાનું સ્વપ્ન રોળતા મહિલાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા મહિલાના પુત્ર અને પુત્રી સહીત પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું .

કમોસમી વરસાદથી પાકમાં થયેલા નુકસાનને પગલે અરવલ્લી જિલ્લામાં મહિલા ખેડૂતે જીવન ટૂંકાવી દીધુ છે. મોડાસા તાલુકાના મોદરસુંબા ગામે દીકરા સાથે રહેતા મંજુલાબહેન કમોસમી વરસાદથી ઘણાં જ આઘાતમાં સરી પડ્યા હતા, અને જીવન ટૂંકાવ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ મંજુલાબહેને તેમના ચાર વિઘા ખેતરમાં મગફળી, કપાસ અને અળદની ખેતી કરી હતી. તેમને આશા હતી કે, તેમના સારા પાકથી જે નાણાં મળશે તેનાથી તેમના દીકરાનું લગ્ન કરાવશે,, પણ કમોસમી વરસાદે તેમની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું... પરિવારજનોનું એમ પણ કહ્વું છે કે, મૃતક મહિલા પાકમાં મોટા પાયે નુકસાનને પગલે છેલ્લા બે દિવસથી આઘાતમાં સરી રહ્યા હતા, જેથી તેમણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.