મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ: રાજસ્થાનમાં જોવા મળેલા વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર ગુજરાતનાં સરહદી જિલ્લા કચ્છમાં પણ જોવા મળી છે. એક તરફ જ્યા રાતે શિયાળા જેવું અને દિવસે ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે તેવામાં કચ્છના ચાર તાલુકામાં ગુરુવારે વરસાદી ઝાપટા પડયા હતા.

અલબત્ત ઝાપટાને કારણે ખેતીને બહુ મોટુ નુકશાન નહી જાય તેવું હાલ તો ખેડુતો માની રહ્યા છે. અચાનક વાતાવરણમાં આવેલા પલલટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અને કચ્છનાં માત્ર ચાર જ તાલુકા પરંતુ સમગ્ર કચ્છમાં વરસાદી માહોલ સર્જાયેલો છે.

બુધવાર રાત્રે લખપતના વર્માનગર, દયાપર, ધડુલી, નારાયણ સરોવર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. બીજા દિવસે ગુરુવારે સવારે અબડાસા અને માંડવી વિસ્તારમાં પણ અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. માંડવી તાલુકાના લાયજા, બાગ, માંડવી શહેર અને કાંઠડા સહિત અનેક ગામોમાં વર્તાઇ હતી.  વરસાદી ઝાપટાને લીધે રસ્તાઓ પર પાણી વહી નિકળ્યા હતા. અબડાસાના કોઠારા, નલિયા , ડુમરા સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો હતો. હજુ આગામી એક દિવસ સુધી આવા વિષમ વાતાવરણ રહે તેવ શક્યતા છે. દરમિયાન ભુજ તાલુકાનાં ખાવડા પંથકમાં પણ સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

કચ્છના અન્ય વિસ્તારોમાં અને ખાસ કરીને દરિયાઇ પટ્ટી નજીકના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે. જો કે જે રીતે બે દિવસથી ઠંડી પકડ જમાવી રહી છે. તેના પર વાતાવરણમાં આવેલા પલટાથી વધુ અસર કરી હતી. અને લોકોએ ઠંડા પવનનો અહેસાસ કર્યો હતો.