દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ) : સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર સુનામીની જેમ ફરી વાળી છે. ગુજરાત અને અમદાવાદમાં પણ કોરોનાની સ્થિતિ ગંભીર જ છે. દરેક હોસ્પિટલોની બહાર એમ્બ્યુલન્સની લાઈન જ જોવા મળે છે. અત્યારના સમયમાં સંસાધનોની અછતના કારણે દર્દીઓને ખુબ જ હાલાકી ભોગવવી પડી રહી છે.

કેટલાક દર્દીઓ કોરોનાના સામન્ય લક્ષણો ધરાવતા હોય પણ કોઈ ગંભીર લક્ષણો ન હોય તેવા દર્દીઓને ડોકટરો હોમ આઇસોલેશનમાં રહેવાની સલાહ આપે છે. પરંતુ કે વ્યક્તિને ઘર નાનું હોય, ઘરમાં પરિવારના સભ્યોની સંખ્યા વધારે હોય ત્યાં કોરોના સંક્રમણ વધવાની શક્યતા વધી જાય છે. આવા દર્દીઓ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભારતીય રેલવેના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના ચાંદલોડિયા અને સાબરમતી રેલવે સ્ટેશન પર ટ્રેનના કોચમાં આઈસોલેશન વોર્ડ બનાવી આવા દર્દીઓને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.


 

 

 

 

 

આ આઈસોલેશન વોર્ડમાં માત્ર એવા દર્દીઓને રાખવામાં આવશે જેમને ડોકટર દ્વારા હોમ આઈસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી હોય. બંને રેલવે સ્ટેશન પર માત્ર આઈસોલેશન વોર્ડ જ છે. અહીંયા ઓક્સિજન કે વેન્ટિલેટરની કોઈ વ્યવસ્થા નથી. દર્દીને રહેવામાં માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. દર્દી માટે જમવાનું, નાસ્તો અને પાણીની વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. અહીંયા ૨૪ કલાક ડોકટર અને પેરા મેડિકલ સ્ટાફ હજાર રહેશે અને દર્દીની દેખરેખ રાખશે.

આઈસોલેશન વોર્ડ અંતરગત ૬ કોચ આપવામાં આવ્યા છે જેમાંથી એક કોચ વતકુલીન કોચ છે અને અન્ય સામાન્ય સ્લીપર કોચ છે. પણ દરેક કોચમાં કૂલર લગાવી ને દર્દીને ગરમી ન લાગે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીને જ દાખલ કરવામાં આવે છે પરંતુ જો અહીંયા દાખલ કર્યા બાદ દર્દીની સ્થિતિ ગંભીર થાય તો દર્દીને હોસ્પિટલ પહોંચાડી શકે તેટલો ઓક્સિજન અહીંયા છે. દર્દીને રેલવે સ્ટેશનથી હોસ્પિટલ સુધી પહોંચાડવાની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.