મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલમાં વડાપ્રધાન મોદી સામે આક્રમક મુડમાં જોવા મળી રહ્યા ચે. આ ક્રમમાં તેમણે બુધવારે પીએમનો ફિટનેસ વીડિયો પર પ્રતિક્રિયા આપી હતી. રાહુલે આ વીડિયોને હાસ્યાસ્પદ અને વિચિત્ર કહ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષે આ ટીપ્પણી રાજધાનીમાં આયોજીત ઈફ્તાર કાર્યક્રમ દરમિયાન કરી હતી. આ સમયે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સહિત ઘણા મોટા નેતાઓ રાહુલ ગાંધી સાથે હાજર હતા. જોકે રાહુલ ગાંધીના નિવેદન દરમિયાન મુખર્જી ચુપ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રણવ મખર્જીના આરએસએસના મુખ્યાલયમાં આયોજીત કાર્યક્રમમાં જવાને લઈને ઘણો રાજકીય વિવાદ થયો હતો. પૂર્વ રાષ્ટ્રપતિની દીકરી સહિત ઘણા કોંગ્રેસી નેતાઓએ પ્રણવને ત્યાં જવા પર નનૈયો આપ્યો હતો. છતાં તે ત્યાં ગયા હતા. તે પછી તમામની નજર કોંગ્રેસના આ ઈફ્તાર કાર્યક્રમ પર હતી.

આ પાર્ટીમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ, પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારી ઉપરાંતના ઘણા નામી નેતાઓ હતા. સાથે જ તેમાં રુસના ભારતમાં રાજદૂત નિકોલોવ આર કુદાશેવ પણ હાજર હતા. અહીં રાહુલે બાકી નેતાઓને પુછ્યું કે શું તમે મોદીનો વીડિયો જોયો? રાહુલ પીપીએમના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીની તરફ વળ્યા અને તેમને પીએમ સાથે મુકાબલો કરવા માટે પોતાનો ફિટનેસ વીડિયો ઉતારવા કહ્યું. આ પર યેચૂરી ઉપરાંત તૃણમુલ નેતા દિનેશ ત્રિવેદી, બીએસપી નેતા સતીશ ચંદ્ર મિશ્રા અને ડીએમકેના કનિમોજી હસવા લાગ્યા હતા. યેચુરીએ કહ્યું, અરે ભાઈ, અમને તો છોડી દો. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઉપરાંત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ તથા હામિદ અંસારી પણ આ વાતને સાંભળી રહ્યા હતા.

કોંગ્રેસે આ કાર્યક્રમનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. નરેન્દ્ર મોદીએ આ ફિટનેસ વીડિયો દરમિયાન કુમારાસ્વામિને પણ ચેલેન્જ કર્યા હતા જોકે કુમારાસ્વામિએ કહ્યું કે તેમને રાજ્યની તબીયતની વધુ ચિંતા છે.