મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ નાગરિક્તા સંશોધન કાયદાને લઈને કોંગ્રેસ નેતૃત્વમાં વિપક્ષી દળોની મીટિંગ બાદ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી સરકાર પર તીખો હુમલો કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીને ચેલેન્જ આપું છું કે તે વગર પોલીસે કોઈ પણ યુનિવર્સિટીમાં જઈને બતાવે. તે કહેશે કે દેશ માટે તે શું કરવા જઈ રહ્યા છે. તેમણે જેએનયુ અને જામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના વિરોધને લઈને કહ્યું હતું કે તેમના અવાજને દબાવી શકાય તેમ નથી. પીએમ મોદીએ આ જવાબ આપવો જોઈએ કે વિદ્યાર્થીઓને આખરે રોજગાર કેવી રીતે મળશે અને કેવી રીતે દેશની અર્થવ્યવસ્થા પાટા પર આવશે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે, પીએમ મોદીને યુવાનો સાથે વાત કરવાનું સાહસ હોવું જોઈએ. તેમણે કહ્યું કે કેવી રીતે અર્થવ્યવસ્થા સંકટમાં આવી ગઈ છે. વિદ્યાર્થીઓ સામે ઊભા રહેવાની હિમ્મત નથી. જોકે ઘણા વિપક્ષી દળો દ્વારા આ મીટિંગથી દૂર રહેવાના મામલે પુછાયેલા સવાલથી રાહુલ ગાંધીએ મોંઢું સીવી લીધું હતું.

વિપક્ષી દળોના ઘણા નેતાઓના સાથે મીડિયાએ વાત કરતાં કહ્યું, દેશના યુવાનોની સમસ્યાઓને નિવારવાને બદલે પીએમ મોદી લોકોના ધ્યાન ભટકાવવા અને તેમના ભાગલા કરવાના પ્રયત્નોમાં લાગી ગયા છે. યુવાનોનો અવાજ સાચો છે, તેમણે કહ્યું કે તેમને દબાવવો ન જોઈએ. સરકારને તેમની વાત સાંભળવી જોઈએ. પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે વાત કરવી જોઈએ અને કહેવું જોઈએ કે અર્થવ્યવસ્થાને સુધારવા અને નોકરીઓ આપવા માટે શું થઈ રહ્યું છે.