મેરાન્યૂઝ નેટવર્ક.હેમ્બર્ગઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલગાંધીએ જર્મનીમાં હેમ્બર્ગમાં પોતાનું ભાષણ આપ્યું તે દરમિયાન ભારતીય મહિલાઓ સામે થઈ રહેલી હિંસા અને દેશમાં વધી રહેલી લિંચિંગનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં મહિલાઓ સામે હિંસાની ઘટનાઓ વધી ગઈ છે. ભારતમાં જે રીતે પુરુષ મહિલાઓને લઈને વિચારો ધરાવે છે, હવે તે વિચારસરણી બદલવી પડશે. રાહુલે આગળ કહ્યું કે પુરુષોએ મહિલાઓને સમાનતા અને સન્માનના ભાવથી જોવાનું શરૂ કરવું પડશે. હું આ કહેવા માટે માફી માગું છું પણ પુરુષો આવું નથી કરતાં.

ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ દેશમાં લિંચિંગની ઘટનાઓને બેરોજગારીના કારણે લોકોમાં પેદા થયેલા ગુસ્સા સાથે જોડ્યું હતું. તેમણે કહ્યું, થોડા વર્ષો પહેલા પ્રધાનમંત્રીજીએ ભારતીય અર્થવ્યવસ્થામાં નોટબંધીનો નિર્ણય કર્યો અને એમએસએમઈના રોકડ પ્રવાહને બર્બાદ કરી દીધો, અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરતા લાખો લોકો બેરોજગાર થઈ ગયા.

તે સાથે જ તેમણે કહ્યું કે, મોટી સંખ્યામાં નાના વ્યવસાયોમાં કામ કરતા લોકોને પાછા પોતાના ગામ જવું પડ્યું. તેનાથી લોકો ઘણા નારાજ છે. લિંચિંગ અંગે જે પણ સાંભળીએ છીએ તે આનું જ પરિણામ છે.

રાહુલ ગાંધી બ્રિટન અને જર્મનીના ચાર દિવસીય પ્રવાસ પર છે. તેમણે હેમ્બર્ગના બુરેરિયસ સમર સ્કૂલના એક કાર્યક્રમ દરમિયાન મોદી સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, દલિતો, અલ્પસંખ્યકો, આદિવાસીઓને હવે સરકારથી કોઈ ફાયદો નથી મળતો. તેમને ફાયદા આપનારી સારી યોજનાઓના રૂપિયા કેટલાક મોટા કોર્પોરેટ પાસે જઈ રહ્યા છે. તે ઉપરાંત તેમને શરણાર્થિઓના મુદ્દા પર પણ પોતાની વાત મુકી અને કહ્યું, શર્ણાર્થિઓના અપમાનનું કારણ કામદારો વચ્ચે નોકરીઓ ઓછી હોવાનું છે તેનાથી ધૃણા અને ટકરાવ પૈદા થાય છે.