કિરણ કાપુરે (મેરાન્યૂઝ.અમદાવાદ):

ઉત્તરાયણ,

શાંતિનિકેતન, બંગાળ

1 નવેમ્બર, 1935

શ્રીમાન વિક્રમ સારાભાઈના પ્રવેશ માટે કેમ્બ્રિજ યુનિવર્સિટિને ભલામણ કરતા હું ખૂબ આનંદ અનુભવું છું. શ્રીમાન સારાભાઈ વિજ્ઞાનમાં ઉંડો રસ ધરાવતા ઉત્સાહી યુવાન છે. મને વિશ્વાસ છે કે કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતેનો અભ્યાસક્રમ તેમના માટે અતિ મૂલ્યવાન બની રહેશે. હું તેમને અને તેમના પરિવાર સાથે અંગત પરિચિતતા ધરાવું છું. તેઓ શ્રીમંત અને સુસંસ્કૃત પરિવારમાંથી આવે છે. તેમના એક ભાઈ અને એક બહેન હાલ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે. મારા મત પ્રમાણે તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે યોગ્ય વ્યક્તિ છે.                                                           - રવિન્દ્રનાથ ટાગોર

મૃણાલિની અને વિક્રમ સારાભાઈ

વિક્રમ સારાભાઈને જેટલો રસ વિજ્ઞાન પ્રત્યે હતો, તેટલો જ રસ તેમણે કળા પ્રત્યે કેળવ્યો હતો. કળાને તેઓ સારી રીતે માણી-પિછાણી શકતા હતા અને એટલે જ તેઓ બેંગ્લોરમાં થિએટરના નિયમિત વિઝિટર્સ હતા. જાણીતા સંગીતકાર એમ. એસ. સુબ્બુલક્ષ્મી અને ભરતનાટ્યમના ગુરુ રામગોપાલ સાથે તેઓ સારો પરિચય કેળવી શક્યા હતા. રામગોપાલના જ ઘરે તેઓ તેમના ભાવિ પત્ની મૃણાલિનીને મળ્યા. મૃણાલિની નૃત્યમાં પાવરધા હતા અને તેમણે નૃત્યને જીવન સમર્પિત કરી દીધું હતું. તેઓ શાંતિનિકેતનમાંથી ભરતનાટ્યમમાં સ્નાતક પદવી મેળવી હતી. તેઓ મળ્યા અને આ મુલાકાત લંબાઈ ત્યાર બાદ બંને લગ્નના બંધનમાં જોડાયા. લગ્ન બાદ મૃણાલિની સારાભાઈએ દર્પણ નામની એકેડેમની સ્થાપના કરી, જે આજે પણ તેનો ઉદેશ સર કરી રહી છે. વિક્રમ અને મૃણાલિનીના બે સંતાનો થયા, દીકરો કાર્તિકેય અને દીકરી મલ્લિકા.

વિક્રમ સારાભાઈના અંતિમ દિવસો

1971ની ક્રિસમસ નજીક તેઓ મુંબઈથી અમદાવાદ તેમની માતાને મળવા આવ્યા. સતત વ્યસ્ત રહેવા છતાં તેઓ નિયમિતપણે તેમની માતાની સંભાળ લેતા હતા. એકવાર તેમણે તેમની માતાને પોતાના રિટાયરમેન્ટ પ્લાન જણાવતા કહ્યું હતુઃ મારુ સ્વપ્ન છે, કે હું કમ્યુનિટિ સાયન્સ  સેન્ટર ખાતે શિક્ષકનો ભેખ ધરીને બેસીશ અને બાળકોને વિજ્ઞાન શીખવાડીશ. માતાને મળ્યા બાદ 26 ડિસેમ્બરે તેઓ મુંબઈ પાછા ફર્યા. 27 ડિસેમ્બરે તેમણે દિલ્હી એક મિટીંગમાં જવાનું હતું. આવી કટોકટીભરી વ્યસ્તતાના કારણે વિક્રમ સારાભાઈના મિત્રો તેમના સ્વાસ્થ્ય અંગે ખૂબ ચિંતિત રહેતા અને એટલે જ તેમનું નિયમિતપણે ડોક્ટરો દ્વારા ચેકઅપ પણ થતું. આવા જ ચેકઅપમાં પ્રવાસ માટે ફિટ હોવાનું ડોક્ટરોએ જણાવ્યું અને વિક્રમ સારાભાઈ દિલ્હી જવાના રવાના થયા.

દિલ્હીથી બીજા દિવસે પરત ફર્યા બાદ તેમની દિકરીએ નવા વર્ષની સાથે ઉજવણી કરવાની અનેક જીદ કરી અને તેમના થુમ્બા ખાતેના આગળના કાર્યક્રમ માટે ન જવા ખૂબ સમજાવ્યા. પરંતુ એક ક્ષણ પણ કામથી અળગા ન રહેતા વિક્રમ સારાભાઈએ પોતાનો કાર્યક્રમ ન બદલ્યો અને બીજા જ દિવસે તેઓ થુમ્બા રવાના થયા. 28-29 બંન્ને દિવસો ભરપૂર વ્યસ્તતાપૂર્ણ વિત્યા. તેમના અતિથિગૃહ  કોવલમ ખાતે તેમણે તેમના મિત્રો સાથે મોડે સુધી વાતચીત પણ કરી અને છેલ્લે રાત્રે સાડા દસ વાગે ડો. અબ્દુલ કલામ સાથે SLV-3 અંગે ફોન પર તેમની વાત થઈ.

અને આખરે એ ગોઝારો દિવસ પણ આવી ગયો, જ્યારે વિક્રમ સારાભાઈએ આપણી વચ્ચેથી વિદાય લીધી. 30મી ડિસેમ્બરની સવારે રૂમ સર્વિસ કરનાર વ્યક્તિઓ તેમના દરવાજાની ડોરબેલ વગાડી. કંઈ જવાબ ન મળ્યો. રૂમ અંદરથી બંધ હતો. ખાસ્સા પ્રયત્નો છતાં કોઈ જવાબ ન મળતા છેવટે દરવાજો તોડી બધા અંદર પ્રવેશ્યા. છાતી પર પુસ્તક ઉંધું રાખી અને ચહેરા પર ગંભીર સ્મિત સાથે વિક્રમ ચીરનિદ્રામાં પોઢી ગયા હતા.

વિક્રમ સારાભાઈના મૃત્યુ વિશે અનેક શંકાઓ સેવાઈ રહી છે. જે રીતે ડો. હોમી ભાભાનું પણ નાની વયે જ અવસાન થયું હતું, એવું જ કંઈક વિક્રમ સારાભાઈ સાથે બન્યું હતું. અનેક જાસૂસી સંસ્થાઓ વિક્રમના આ અણધાર્યા મૃત્યુ અંગે સવાલો ઉભા કરી ચૂકી છે. અલબત્ત, હજુ આજે પણ વિક્રમ સારાભાઈના મૃત્યુનું રહસ્ય અકબંધ છે. જે વ્યક્તિને હજું ત્રણેક દિવસ પહેલાં જ ડોક્ટરોએ સ્વસ્થ હોવાનું સર્ટિફિકેટ આપ્યું હોય, એ વ્યક્તિનું આવું આકસ્મિક અવસાન સો સવાલ ઉભા કરે તેવું છે.

સરળ અને નિખાલસ વિક્રમ સારાભાઈ...

બહૂમુખી પ્રતિભા ધરાવતા વિક્રમ સારાભાઈનો સ્વભાવ હંમેશા બીજાને મદદરૂપ થવાનો હતો. પી.આર.એલ.ના નિયામક, સ્વપ્નદૃષ્ટા વિજ્ઞાની, આઈઆઈએમના સહસંસ્થાપક તથા અન્ય અનેક સંસ્થાઓના સંસ્થાપક-સહસંસ્થાપક હોવા છતાં તેઓ પોતાનું કામ પોતે જ કરવાનો આગ્રહ રાખતા હતા. પ્રયોગશાળામાં તેમને જરૂર હોય એવા ઉપકરણો પોતે સ્વંય લઈ જતા. ક્યારેય પણ પટાવાળાને બોલાવીને કામ ચિંધતા નહીં. પોતાનું ટેબલ પણ પોતે જ સાફ કરતા. પાણી માટે પટાવાળાને બોલાવાને બદલે જાતે જ પાણી પી લે. તેમણે સ્થાપેલી સંસ્થાઓમાં પણ તેમણે પોતાનું કામ પોતે જ કરો એવી પ્રથા પાડી હતી. કહે છે કે એકવાર તેઓ પી.આર.એલ.ના સંકુલમાં તેમની ગાડીમાં આવી રહ્યા હતા. આ જ સમયે પરસેવે રેબઝેબ એક મજૂર ભારેખમ સામાન સાથે લારીને ઢાળ પર ચઢાવવા મથી રહ્યો હતો. વિક્રમભાઈ આ જોઈ ગયા અને તરત જ ગાડી ઉભી રાખી લારીને ધક્કો મારવા લાગ્ચા!

 

 

દેશની વિખ્યાત સંસ્થાઓના પાયા ડો. સારાભાઈએ નાંખ્યા છે :

1. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ(આઈ.આઈ.એમ.), અમદાવાદ

2. ફિઝીકલ રિસર્ચ લેબોરેટરી(પી.આર.એલ.), અમદાવાદ

3. કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, અમદાવાદ

4. દર્પણ એકેડમી ફોર પર્ફોમિંગ આર્ટ્સ, અમદાવાદ

5. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર, થિરુવન્થપુરમ્

6. સ્પેસ એપ્લિકેશન સેન્ટર, અમદાવાદ

7. ફાસ્ટર બ્રિડર ટેસ્ટ રિએક્ટર(એફ.બી.ટી.આર.) કલ્પકમ

8. વેરીએબલ એનર્જી સાક્લોટ્રોન પ્રોજેક્ટ, કોલકતા

9. ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, હૈદરાબાદ

10. યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, જાદુગુડા, બિહાર

11. અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોશિએશન(અટીરા), અમદાવાદ

[સંદર્ભ : ઇસરો]