મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાતના ગૃહવિભાગે આર આર સેલના વિસર્જન પછી હવે રાજ્યના ચાર મહાનગરોમાં આઈપીએસ અધિકારીઓના સ્ક્વોડને પણ વિસર્જીત કરવાનો નિર્ણય લીધો હોવાની જાણકારીઓ મળી રહી છે. મહાનગરોમાં ડેપ્યૂટી પોલીસ કમિશનર અને જોઈન્ટ પોલીસ કમિશનર પોતાના સ્ક્વોડની નિમણૂંક કરતા હોય છે. હવે આ સ્ક્વોડને પણ વિસર્જીત કરી દેવાની કામગીરી ગૃહવિભાગે હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના રેન્જ આઈજીપી સાથે રહેલા આર આર સેલ સામેની ફરિયાદ પછી ગૃહવિભાગે 1995થી અસ્તિત્વમાં રહેલા આર આર સેલને વિસર્જિત કરવાનો નિર્ણ લીધો હતો. હાલમાં અમદાવાદ વડોદરા સુરત રાજકોટમાં ફરજ બજાવતા ડેપ્યૂટી પોલીસ કમિશનર અને જોઈન્ટ પોલીસ કમિશનરના તાબામાં પણ સ્કવોડ આવેલા છે. આ સ્કવોડ પણ તેમના તાબામાં આવેલા પોલીસ સ્ટેશન્સમાં કાર્યવાહી કરી શકે છે, પરંતુ રાજ્યના ગૃહ વિભાગે હવે ડીસીપી અને જેસીપીના સ્કવોડને પણ વિસર્જીત કરવાનો નિર્ણય કર્યો હોવાની જાણકારી મળી રહી છે. જોકે આ નિર્ણયની હજુ સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.

શનિવારને સાંજે ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરે ત્યારથી આચાર સંહિત્તાનો અમલ શરૂ થઈ જાય છે, પરંતુ આચાર સંહિત્તા લાગુ થાય તે પહેલા ગુજરાતના ડીજીપીએ 88 પોલીસ સબ ઈન્સપેક્ટર્સની બદલીનો આદેશ કર્યો છે. આ તમામ સબ ઈન્સપેક્ટરને તુરંત પોતાની બદલીના સ્થળે હાજર કરી દેવાનો પણ આદેશ કરી દેવાયો છે.