રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): કેટલાંક કાર્ટૂન કાયમી યાદ રહી જાય તેવા હોય છે. કાર્ટૂનિસ્ટ રાસીપુરમ ક્રિષ્ણાસ્વામી આઈયર; એટલે કે આર. કે. લક્ષ્મણે [ 24 ઓક્ટોબર 1921 – 26 જાન્યુઆરી 2015] ‘કોમન મેન’ના પાત્ર દ્વારા સત્તાને/સમાજને જાગૃત રાખવાની ઉમદા સેવા બજાવી હતી.

કાર્ટૂનમાં વાસ્તવિકતાનો અર્ક હોય છે. કાર્ટૂનનો હેતુ લોકોને વિચારતા કરવાનો હોય છે. કાર્ટૂન એટલે કડવાશ ઊભી કર્યા વિના સત્ય કહેવાની કળા ! કાર્ટૂન તો ઓજાર વિના સત્તાની/સમાજની સર્જરી કરે છે ! જોઈને ચિત્તમાં ઝણઝણાટી પ્રસરે તે કાર્ટૂન ! આર. કે. લક્ષ્મણના કાર્ટૂન્સ જોઈને એવું જ થતું. પોલીસ સંબંધી જાણીતા 12 કાર્ટૂન જોઈએ : [1] પોલીસ સ્ટેશનની સામે જ એક ગુંડો, નાગરિકને બંદૂકના નાળચાથી ડરાવીને કહે છે : ‘પોલીસ માટે બૂમો પાડે છે? આ વિસ્તારમાં નવો લાગે છે !’ [2] એક જ્વેલર્સની શોપ પાસે પોલીસનો પોઈન્ટ હતો. એક ચોર શોપના કાચ તોડી અંદર જાય છે અને ચોરી કરી પોટલું લઈ બહાર નીકળે છે ત્યારે પોલીસ  (કાર્યવાહી કરવાને બદલે) કાચના ટુકડા તરફ આંગળી ચીંધતા કહે છે : ‘ધ્યાન રાખજે ! ત્યાં કાચના ટુકડાં પડ્યા છે !’ [3] બજારમાં એક ગુંડાએ એક નાગરિક તરફ તમંચાથી ફાયરિંગ કર્યું; ગોળી બે ફૂટ દૂર પણ ન ગઈ ! પોલીસ (કાર્યવાહી કરવાને બદલે)હસતા હસતા કોમન મેનને કહે છે : ‘વિદેશી અને સ્વદેશી રીવોલ્વર વચ્ચે આટલો જ તફાવત છે ! બિલકુલ ભરોસાપાત્ર નહીં !’ [4] એક ગુંડાએ, હાથમાં રીવોલ્વર લઈને બેન્ક લૂંટવા; બેન્ક મેનેજરને ધમકી આપી. બેન્ક મેનેજરે કહ્યું : ‘ અમારી પાસે લોન સ્કીમ છે; તમને ખાત્રી આપું છું કે આ કરતા, એ વધુ સારી રહેશે !’ [5] ગલીના એક છેડે એક ગુંડો હાથમાં રીવોલ્વર લઈને એક નાગરિકને પાકીટ સોંપી દેવા ધમકી આપે છે. નાગરિક કહે છે :’પાકીટ? પાકીટ નથી ! સામેના છેડે પોલીસવાળાએ તે લઈ લીધું !’ [6] ગુનાઓ ઘટ્યા છે; તેવો દાવો કરવાની ફેશન છે. IPS અધિકારીઓથી લઈને હોમ મિનિસ્ટર આવો દાવો કરે છે. વાસ્તવિકતા નાગરિકો જાણે છે કે પોલીસ ગુનાનું બર્કિંગ કરે છે, ગુના નોંધતી નથી. એટલે ગુનાઓ ઘટ્યા છે,એમ કહીને છાતી ફુલાવી શકાય ! લક્ષ્મણે આ અંગે સરસ કટાક્ષચિત્ર રજૂ કર્યું. ગૃહમંત્રી કાખમાં ઘોડી સાથે પોતાની કચેરીમાં પ્રવેશ કરે છે; માથા ઉપર પાટો બાંધ્યો છે. સેક્રેટરી ક્રાઈમ ચાર્ટમાં ગુનાઓ ઘટી રહ્યા છે; એવું દર્શાવવા નીચે તરફ લીટી દોરી રહ્યો છે. ગુહમંત્રી કહે છે : ‘મારું નિરીક્ષણ ખોટું હતું ! હવે ઉપરની તરફ જ લીટી દોરો !’


 

 

 

 

 

[7] એક પોલીસ અધિકારી પોતાની બદલી થતી ન હોવાથી, ઘેર આવી નિરાશ થઈને બેસી જાય છે ! પત્ની કહે છે : ‘તમારી બદલી ન થઈ એમાં નિરાશ થઈ ગયા? જાવ અને કોઈને ઢીબી નાખો; પછી થઈ જશે !’ [8] જેલ તોડીને કેદીઓ ફરાર થઈ ગયા. ઉપરી અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરતા હતાં. ત્યાં એક સંત્રી ખભે રાયફલ ટેકવીને ઊભો છે; અને બાકોરા તરફ ઈશારો કરતા કહે છે : ‘સાહેબ, એ કઈ રીતે નાસી ગયા તે કહું? ત્યાંથી. આ બાકોરું પાડતા અને અહીંથી એક પછી એકને જતાં મેં જોયેલાં !’ [9] એક ગુંડાના હાથે સાંકળ બાંધેલી છે; સાંકળનો બીજો પોલીસના હાથમાં છે. ગુંડો આગળ છે, પોલીસ પાછળ પાછળ ખેંચાય છે ! એક નાગરીક કોમન મેનને કહે છે : ‘દબાણ તો જૂઓ ! આ તો હવે કાયમી થઈ ગયું છે. ઓળખીતા મિનિસ્ટર પાસે લઈ જઈ રહ્યો છે પોલીસને !’ [10] રેલ્વે ડબ્બામાં લૂંટારુ ઘૂસી આવે છે. ત્રણ-ચાર મુસાફરો છે. લૂંટારુંના હાથમાં તમંચો છે. જે હોય તે કાઢી આપવા તે એક મુસાફરને ધમકી આપે છે. મુસાફર કહે છે : ‘ભઈલા, મોડો પડ્યો. એક કલાક પહેલાં જ અમે લૂંટાઈ ગયાં !’ [11] હોસ્પિટલમાં બે દર્દીઓ છે. એક દર્દી પલંગમાં સૂતો છે; તેના બન્ને પગ/સાથળ/પીઠ/પેટ/બન્ને હાથ/છાતી/માથું પાટાઓથી ઢંકાયેલું છે. બીજો દર્દી પલંગમાં બેઠો છે; તેને સામાન્ય ઈજા છે, તે કોમન મેનને કહે છે : ‘હું ભાગ્યશાળી છું; મને ગેંગસ્ટરે માર્યો. પણ તે નિર્દોષ માણસને પોલીસે !’ [12] એક ઘરમાં ચોરી થાય છે. ચોર ઈસમો ઘર માલિકને ખુરશી સાથે બાંધીને જતા રહે છે. સ્થળ ઉપર પોલીસ આવે છે. ઘરની ચીજવસ્તુઓ વેરણછેરણ છે. કોન્સ્ટેબલ પંચનામું લખે છે. પોલીસ અધિકારી બંધાયેલ ઘરમાલિકની (તેને બંધનમુક્ત કરવાને બદલે) પૂછપરછ કરે છે. પોલીસ કહે છે : ‘ અડધી વસ્તુઓ લઈ ગયા છે? સારું કહેવાય ! એનો અર્થ એ થયો કે ક્રાઈમ 50% ઘટ્યું !’

(લેખક નિવૃત્ત IPS અધિકારી છે, અહીં હેતુ માત્ર તેમના વિચારો અને લેખન કલાને રજુ કરવાનો છે)