મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રુપાણીની સરકારી કારના વીમા અને પીયુસીને લઈને 17મીએથી જ એક સોશ્યલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ રહી હતી. તેમાં તેમના વાહનની પીયુસી અને વીમો નથી ને પ્રજાને હેરાન કરતા હોવા જેવી પોસ્ટ લખી હતી. જોકે ગુજરાત સરકારના વાહન વ્યવહાર મંત્રી દ્વારા આ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે. તેમણે મુખ્યમંત્રી વિજય રુપાણીની સરકારી કારના વીમા અને પીયુસી અંગે નિવેદન કર્યું હતું.

આ મામલે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, વિજય રૂપાણી તરફથી ઉપયોગમાં લેવામાં આવતા બંને વાહનો GJ-18-G-9085 અને GJ-18-G-9086 ડીજીપી અને આઈજીપી ભવનના નામે નોંધાયેલા છે. તેની રજીસ્ટ્રેશનની સમય મર્યાદા 15 વર્ષની છે. આથી તેમની સમયમર્યાદા અંગે કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. 2029 સુધીની બંને વાહનોની વેલિડિટી છે. બંને વાહનોનો નેશનલ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા 31-12-2019 સુધીનો વીમો લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના કાફલાના તમામ વાહનોનાં PUC સર્ટિફિકેટની મુદત 30-09-2019 સુધીની છે.

તેમના આ નિવેદન બાદ સોશ્યલ મીડિયામાં ફરતી પોસ્ટ કટીંગ્સ વગેરે ફેક હોવાનું અને રાજ્યમંત્રી આર સી ફળદુની વગતો તેની પૃષ્ટી કરતી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સોશ્યલ મીડિયામાં આવતી તમામ બાબતો વિશ્વાસ પાત્ર હોતી નથી. તેની પ્રારંભીક ખરાઈ અત્યંત જરૂરી છે.