પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): કોરોનાની સ્થિતિમાં તેને નાથવામાં સમગ્ર ગુજરાતમાં કલેક્ટર અને એસપીની ભૂમિકા બહુ મહત્વની છે. ગુજરાતમાં એક માત્ર અમરેલી જિલ્લો એવો છે કે જ્યાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી, પરંતુ સુરતમાં રહેતા હીરા ઘસૂઓને વતન જવાની મંજુરી આપતા અમરેલીમાં 50,000 કરતાં વધુ હીરા ઘસૂઓ વતન ભણી આવી રહ્યા છે. અમરેલીનું વહીવટી તંત્ર અને અમરેલી પોલીસ એક પણ પોઝિટિવ કેસ અમરેલીમાં દાખલ થાય નહીં તે માટે પ્રયાસો કરી રહ્યા છે.

સુરત સહિત વિવિધ શહેરોમાંથી આવી રહેલા લોકોને અમરેલી જિલ્લામાં પ્રવેશતા અટકાવી તેમનું મેડિકલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. આ સ્થિતિને કારણે અમરેલીમાં રહેતા લોકો અને નેતાઓ કોરોના ફેલાશે તેવા ભયથી પીડાઈ રહ્યા છે. 

ભાજપના નેતા અને ખાંભાના પૂર્વ પંચાયત પ્રમુખ મોહનભાઈ વારિયાએ આ સંદર્ભે સંબંધિત અધિકારીઓનો સંપર્ક કર્યા પછી કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલાનો ટેલીફોનીક સંપર્ક કર્યો હતો. પુરુષોત્તમ રુપાલા અને મોહન વારિયા વચ્ચે થયેલી કથિત ટેલીફોનીક ટોકમાં કેન્દ્રીય મંત્રી રુપાલા પોતાની નારાજગી વ્યક્ત કરતાં ગુજરાતમાં આઈએએસ અને આઈપીએસ અધિકારીનું રાજ ચાલી રહ્યું છે તેવું કહે છે. (Audio અહેવાલના અંતમાં છે)

કથિત ઓડિયોમાં પુરુષોત્તમ રુપાલા કેન્દ્રીય મંત્રી હોવા છતાં સમગ્ર મામલો અખબાર સુધી લઈ જવા અને પત્રકારોને સ્થળ સુધી બોલાવા મોહન વારિયાને કહે છે. આમ કોરોનાની સ્થિતિમાં ચૂંટાયેલી પાંખ અને વહીવટી તંત્ર વચ્ચે સંકલનનો અભાવ તેમજ જ્યારે એક માત્ર અમરેલી જિલ્લો કોરોના મુક્ત હોવા છતાં કેન્દ્રીય મંત્રી કઈ રીતે પોતાના માત્ર રાજકીય સ્વાર્થનો વિચાર કરે છે તેનું આ ઓડિયો રેકોર્ડિંગ ઉત્તમ ઉદાહરણ છે.

આ ઓડિયોની ખરાઈ કરવા અમે ભાજપના નેતા મોહન વારિયાનો સંપર્ક કર્યો ત્યારે તેમનો ફોન સ્વીચ ઓફ હતો અને પુરુષોત્તમ રુપાલાનો સંપર્ક કરતાં તેમનો ફોન નો રિપ્લાય થયો હતો. સંભવ છે કે આ ઓડિયો વાયરલ થયા પછી વારિયા અને પુરષોત્તમ રુપાલા શરમજનક સ્થિતમાં મુકાયા હશે.