મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ : શહેરમાં સુજલામ્ સુફલામ્ જળસંચય યોજના પુર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીયમંત્રી પરસોતમ રૂપાલા આ કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા હતા. જેમાં મેયર દ્વારા નર્મદાના જળ કળશનું પૂજન કરવામાં આવ્યું હતું. આ તકે શહેર ભાજપના તમામ અગેવાનો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ દરમિયાન પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ અંગે કેન્દ્રીયમંત્રી પરસોતમ રૂપાલાએ મહત્વનું નિવેદન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગત રોજ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાને લઈને લોકોને આશા બંધાઈ હતી ત્યાં પેટ્રોલના ભાવમાં એક પૈસાનો ઘટાડો કરી રીતસર લોકોની મઝાક બની હોય તેવો માહોલ સર્જાયો હતો.

રાજકોટ આવેલા કેન્દ્રિયમંત્રી પરસોતમ રૂપાલાને મીડિયા દ્વારા પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો અંગે પુછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, આ અંગે કેન્દ્ર સરકાર ચિંતિત છે અને વધતા ભાવ પર નિયંત્રણ લાવવાના પ્રયાસો અંગે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે. આવનારા દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટાડવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કર્ણાટક ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નોંધપાત્ર વધારો થવાથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે કેન્દ્રીયમંત્રીના આ નિવેદન મુજબ પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો થાય તો લોકોને મોટી રાહત મળી શકે તેમ છે.