પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): કોઈના ઘરે મરણ થાય તો પહેલી પ્રતિક્રિયા શુ હોય?  જેણે પોતાનું સ્વજન ગુમાવ્યુ છે તે સ્તબ્ધ હોય, ત્યાર બાદ તેની આંખોમાં આંસુ દોડી આવે, આ બહુ જ સહજ વાત છે. આપણે આપણા જવાનો પુલાવામાં ગુમાવ્યા પછી  આપણો વ્યવહાર આવો જ હોવો જોઈતો હતો, પણ તેના બદલે આપણે મારો-કાપો અને યુધ્ધ કરોની બુમો પાડી અને તેવી જ બુમો આપણને પણ સંભળાઈ રહી છે. ખરેખર આ સમય આપણે(પ્રજાએ) શાંત રહેવાનો છે. 2014 પહેલા મનમોહનસિંગ વડાપ્રધાન હતા અને કાશ્મીર સહિત દેશમાં જયાં પણ આતંકવાદી હુમલો થતો ત્યારે નરેન્દ્ર મોદી પોતાની 56ની છાતીની વાત કરતા હતા. સ્મૃતિ ઈરાની જેવા નેતાઓ વડાપ્રધાન અને ગૃહમંત્રીને બંગડીઓ મોકલવાની વાત કરતા હતા, આ તેમની બાલીશતા હતી. દેશનો કોઈ પણ વડાપ્રધાન પસંદ કરે નહીં કે તેના દેશ ઉપર આંતકી હુમલા થાય, તે વડાપ્રધાન પછી મનમોહનસિંગ હોય કે નરેન્દ્ર મોદી હોય.

યુપીએ સરકારમાં આંતકવાદી હુમલાઓ થતાં હતા ત્યારે નરેન્દ્ર મોદી સહિત સમગ્ર ભાજપે જે ભુલ કરી તે ભુલ કોઈએ દોહરાવવાની જરૂર નથી. નરેન્દ્ર મોદીને જો ગાળ આપવાથી પ્રશ્નનો કાશ્મીર સહિતના પ્રશ્નનો ઉકેલ આવી જાય તેમ હોય તો ચોવીસ કલાક મોદી અને ભાજપને ગાળો આપવી જોઈએ. નરેન્દ્ર મોદી અને મનમોહનસિંગને ગાળો આપનારે પહેલા કાશ્મીરની મુળ સમસ્યા અને તેના ઉદ્દભવનો અભ્યાસ કરવો જોઈએ. મનમોહનસિંગ પણ જાણતા હતા અને હવે તો નરેન્દ્ર મોદીને પણ સમજાય છે કે કાશ્મીર સમસ્યાનો ઉકેલ યુધ્ધ કયારેય હતો નહીં અને આજે પણ નથી. પુલવાની ઘટના દુખદ છે તેમાં કોઈ શંકા નથી, પણ આપણા હાથે આપણે મોબાઈલ ફોન પડી જાય છે, આપણા આંગણામાં પાર્ક કરેલુ બાઈક ચોરાઈ જાય છે. આ ઘટનાઓ પણ આપણે નિવારી શકતા નથી. ત્યારે આજે સમાજનો મોટો વર્ગ નરેન્દ્ર મોદીએ શુ કરવુ જોઈએ તેની ચર્ચા પાનના ગલ્લે, ટેલીવીઝન ડીબેટમાં અને સોશીયલ મીડીયા ઉપર કરી રહ્યો છે.

દેશપ્રેમ એટલે વંદેમારત બોલો, કેન્ડલ માર્ચ કરો, સરકારને, ગાળો આપો, પાકિસ્તાન મુર્દાબાદ બોલો વગેરે કરવાથી દેશ પ્રેમી કહેવાઈએ તેવુ નથી, ઘણી વખત ચુપ રહીને પણ દેશ પ્રેમ વ્યકત કરવો જોઈએ, સેનાએ યુધ્ધ કયારે કરવુ, સર્જીકટલ સ્ટારાઈક કયાં કરવી, અને કાશ્મીના ખાસ દરજ્જા અંગે શુ કરવુ તે બધા વિષયો આપણી સમજની બહારના છે. જયારે આપણને જે વિષયમાં ખબર પડે નહીં તેવા વિષયમાં  શાંત રહેવામાં જ ડાહ્યપણ હોય છે , યુધ્ધ એટલે આપણી પડોશની સોસાયટીમાં જઈ કોઈને બે લાફા મારવા જેટલુ સરળ હોતુ નથી, કોઈ પણ યુધ્ધની અસર એક બે વર્ષ નહીં પણ બે પેઢીઓ સુધી થતી હોય છે. હાલમાં ભારત અને  પાકિસ્તાન બંન્ને પાસે પરમાણુ હથિયાર છે જો તેનો ઉપયોગ થશે તો  આપણે તો ઠીક પણ તે પરિણામ પૌત્રોના પૌત્રો ભોગવશે. આમ છતાં યુધ્ધ અનિવાર્ય જ છે તો જેમણે યુધ્ધનો નિર્ણય લેવાનો છે તેમને લેવા દો, વિચારોનો ઘોંઘાટ કરી નિર્ણયકર્તાને પરેશાન કરશો નહીં, કારણ તે પણ દેશપ્રેમનો એક પ્રકાર છે.

જેમ નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષ પહેલા પોતાની 56ની છાતીની વાત કરી અને પ્રજાએ સત્તાનું સુકાન તેમને સોપ્યુ, હવે જે કઈ બન્યુ અથવા થઈ ગયુ તેને માટે નરેન્દ્ર મોદીને દોષીત ગણી શકાય નહીં, હાલમાં નરેન્દ્ર મોદીનો કઈ વાંક અને તેમનો દુશ્મન હોય તો તેમના શબ્દો અને તે પોતે જ છે. નરેન્દ્ર મોદી સત્તા ઉપર આવી જે ન્હોતા કરી શકવાના તેના સ્વપ્નના તેમણે બતાડયા, બસ ગુજરાત સમાચારે પુલવાના હુમલા વખતે નરેન્દ્ર મોદીને તેમની 56ની છાતીની યાદ કરાવી, તેમા કઈ ખોટુ પણ ન્હોતુ, અખબારનું કામ શાસનકર્તાને સતત જાગતા રાખવાનું છુ, બસ ગુજરાત સમાચારની હેડ લાઈને ઘણાની સવારનો ક્રમ બગાડી નાખ્યો, અને જાહેરાંત કરી દીધી ગુજરાત સમાચારનો બહિષ્કાર કરો, પણ મઝાની વાત એવી છે કે જેમણે ગુજરાત સમાચારનો બહિષ્કાર કરો, તેવુ કહ્યુ તેમને તમે ઓળખતા હોવ તો ખાનગીમાં પુછો કે ભાઈ તે તારા ફેરીયાને કહ્યુ કે હવે મારા ઘરે ગુજરાત સમાચાર નાખીશ નહીં?

જે આપણે કરી શકતા નથી તેવુ બધુ જ બોલીએ છીએ, ગુજરાત સમાચારે જે લખ્યુ તે અંગે વિભીન્ન મત હોઈ શકે. ગુજરાત સમાચારની હેડલાઈનને કારણે તેના માલિક શ્રેયાંશ શાહ દેશ વિરોધી થઈ ગયા. જો આ જ ફોર્મ્યુલા હોય તો મનમોહનસિંગ વડાપ્રધાન હતા અને તેમના શાસનમાં થતાં આંતકી હુમલા વખતે મનમોહનની ટીકા કરનાર પણ દેશદ્રોહીની શ્રેણીમાં ઉભા કરી દેવા પડે તો તે શ્રેણીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિત ભાજપની મોટા ભાગની નેતાગીરી આવી જાય, પણ કોઈ નરેન્દ્ર મોદી અથવા ભાજપની ટીકા કરે તેને દેશદ્રોહી કહેવાની મુર્ખામીએ કોઈએ કરવી જોઈએ નહીં. અખબારે મોદીની ટીકા કરી છે. તેમના વચનો તેમને યાદ કરાવ્યા છે, બસ એટલુ કર્યુ છે. ગુજરાત સમાચાર બંધ કરાવવાથી પણ કાશ્મીરનો ઉકેલ આવી જતો હોત તો મને ખબર છે ખુદ શ્રેયાંશ શાહ સામે ચાલી કહેતા કે ચાલો કાશ્મીર સમસ્યા ઉકેલાય જાય છે તો આજથી ગુજરાત સમાચારને તાળા મારી દઈએ.

દરેક વખતે દરેક વિષય ઉપર આપણે બોલવુ જ જોઈએ તેવુ જરૂરી નથી, કયારેક શાંત રહીને પણ દેશની સેવા થાય, ચાલો થોડાક શાંત થઈએ.