મેરાન્યૂઝ નેટવર્ક.શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સુરક્ષાદળોનું ઓપરેશન ચાલું છે. કાશ્મીરના પુલવામા જિલ્લામાં સેનાએ ત્રણ  આતંકીઓને ઠાર કર્યા છે. આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની ખાનગી માહિતી મળતાં સેનાએ રવિવારે મોડી સાંજે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતુ. સર્ચ ઓપરેશન શરૂ થતાં આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. સેનાએ જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકીઓને ઠાર કરી દીધા છે. ઠાર કરવામાં આવેલા આતંકીઓમાં જૈશ-એ-મોહમ્મદના ડિસ્ટ્રિક્ટ કમાન્ડર મુદ્દસિર ખાન પણ સામેલ છે. જ્યારે અન્ય બે આતંકીઓની ઓળખ હજી કરવામાં આવી નથી. આતંકીઓની લાશ સેનાએ કબજે કરી લીધી છે. તેમની પાસેથી હથિયારનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે. પોલીસે આતંકવાદીઓ પાસેથી એક-47 રાઇફલ અને પિસ્ટલ મેળવી છે.

ઉલ્લેખનીય છે કે, પુલવામા હુમલામાં મુદ્દસિરનો મોટો હાથ હતો. વ્યવસાયે ઇલેક્ટ્રિશિયન મુદ્દસિરે 2017માં જૈશ-એ- મહોમ્મદ જોઇન કર્યું હતું. તે આદિલ અહમદ ડારના સંપર્કમાં હતો. અને પુલવામા હુમલાના ષડયંત્રમાં સામેલ હતો.

થોડા દિવસ પહેલાં જ આ વિસ્તારમાં હિઝબુલ મુઝાહિદ્દીનના 2 આતંકીઓને સેનાએ ઠાર કરી દીધા હતા. પુલવામામાં CRPF ના કાફલા પર આતંકી હુમલા પછી સેના અને રાજ્ય પોલીસ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન વધારી દીધું છે. જ્યારે થોડા દિવસ પહેલાં ત્રાલમાં પણ સેનાએ 2 આતંકીઓને ઠાર કરી દીધા હતા. સેનાએ આ આતંકીઓ જે ઘરમાં છુપાયા હતા તે ઘર જ ઉડાવી દીધું હતું.