મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: પુલવામાં આતંકી હુમલામાં જવાનો શહીદ થયા બાદ સીઆરપીએફ ધ્વારા ટવીટ કરી કહેવામાં આવ્યું છે કે, અમે ના તો ભૂલીશું અને ના તો માફ કરીશું. શહીદ જવાનોને નમન કરીએ છીએ અને અમે અમારા શહીદ ભાઈઓના પરિવારજનોની સાથે છીએ. આ જધન્ય કૃત્યનો બદલો લેવામાં આવશે. વડાપ્રધાને સેનાને છૂટો દોર આપવામાં આવેલો હોવાનું જણાવ્યા બાદ આ ટવીટથી સેના આતંકીઓ સામે મોટી કાર્યવાહી કરે તેવું માનવામાં આવી રહ્યું છે.

જમ્મુ-કાશ્મીર ખાતે સીઆરપીએફ ઉપર થયેલા સૌથી મોટા આતંકી હુમલા અંગે કોંગ્રેસ પક્ષે સમગ્ર વિપક્ષ કેન્દ્ર સરકાર અને સેનાની સાથે હોવાનું જણાવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું છે કે, અમે દરેક શહીદ પરિવારોની સાથે ઉભા છીએ અને આ દેશના ભાગલા પાડવાનો આતંકીઓનો હેતુ ક્યારેય ફળીભૂત નહિ થાય.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહે આજે પુલવામાં થયેલા હુમલા અંગે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે, સમગ્ર વિપક્ષ સરાકર અને સેનાની સાથે છે. આ પ્રસંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, આ ઘણો મોટો આતંકી હુમલો દેશના ભાગલા પડવાના હેતુથી કરાયો છે. પરંતુ અમે દરેક શહીદ પરિવારોની સાથે ઉભા છીએ અને કોઈ આતંકી તાકાત દેશને તોડી શકશે નહિ. જયારે પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહે કહ્યું કે, અત્યારની પરિસ્થિતિમાં સમગ્ર દેશ એક થઈને ઉભો છે અને અમે સરકાર તેમજ સેનાની સાથે છીએ.