પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાતમાં મહિલા પોલીસ સ્ટેશનનો પ્રારંભ કરવાનો હેતુ એવો હતો કે મહિલાઓને સરળતાથી ન્યાય મળે, પરંતુ મહિલા પોલીસ સ્ટેશન આરોપી અને ફરિયાદીને ખંખેરવાનું સેન્ટર બની ગયું હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ શ્વેતા જાડેજાએ રૂપિયા 35 લાખની લાંચ લીધી હોવાનું ફલીત થતાં ક્રાઈમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા હતા. જેલમાં રહેલી શ્વેતા જાડેજાએ મુદ્દે ક્રાઈમ બ્રાન્ચે કરેલી ચાર્જશીટ બાદ અમદાવાદ સેશન્સ કોર્ટમાં કરેલી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. 

ક્રાઈમ બ્રાન્ચની ચાર્જશીટ બાદ શ્વેતા જાડેજાએ કરેલી જામીન અરજી ફગાવી દેતા અદાલતે નોંધ્યું કે, ચાર્જશીટ બાદ પણ ગુનાની ગંભીરતામાં કોઈ ઘટાડો થયો નથી. શ્વેતા જાડેજા પોલીસ અધિકારી છે અને તેમને જો જામીન આપવામાં આવે તો તેઓ કેસને અને તેના સાક્ષીઓને પ્રભાવીત કરી શકે તેમ છે. શ્રવેતા જાડેજાને જામીન આપવાને કારણે સમાજ પર વિપરીત અસર પડવાની સંભાવના છે.


 

 

 

 

આ કેસના આરોપી અને શ્વેતા જાડેજાના બનેવી દેવેન્દ્ર ઓડેદરા હજુ પણ ફરાર છે. આ તમામ સંજોગોને ધ્યાનમાં લેતા શ્વેતા જાડેજાએ કરેલી જામીન આપવાની માગણીને ફગાવી દેવામાં આવે છે. અમદાવાદ સેશન્સ કોર્ટે જામીન ફગાવી દેતા શ્વેતા જાડેજાએ હવે જેલમાં જ રહેવું પડશે અને જામીન માટે તેમને હવે હાઈકોર્ટના દ્વાર ખટખટાવવા પડશે.