મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચની મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાની જેટલી પ્રામાણિક તપાસ થાય તેના મૂળ વધુ ઊંડા નિકળી રહ્યા છે. લાંચ કેસમાં ચર્ચામાં આવેલી પીએસઆઈ શ્વેતાએ આઈફોન અને 45 લાખ સુધીનો તોડ આ જ કેસમાં કર્યો હોવાના ખુલાસા થવા પામ્યા છે. ઉલ્લેખનીય છે કે શ્વેતાએ માત્ર આ એક કેસમાં આટલી મોટી ગેમ રમી હતી તો પછી આ સિવાયના બીજા ઘણા કેસીસ તેની પાસે હતા તેમાં તેણે શું શું કર્યું હશે તે પ્રશ્ન જ માત્ર ચોંકાવી દેનારો છે.

જીએસપી ક્રોપ સાયન્સ પ્રા.લી.ના એમડી (મેનેજીંગ ડાયરેક્ટર) કેનલ વી શાહ સામે થયેલી દુષ્કર્મની ફરિયાદમાં તેને પાસા નહીં કરવા મામલે 35 લાખની લાંચ માગી હોવાનું સામે આવ્યું હતું. પરંતુ બાદમાં 20 લાખની લેવડ દેવડ થઈ હોવાની વિગતો પણ મળી હતી. જોકે તપાસ દરમિયાન બે આંગડિયા દ્વારા કેટલાક ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

પહેલા 20 લાખ ખંખેરી લીધા પછી શ્વેતાએ દસ દસ લાખના બે આંગડિયા ઉપરાંત 4 લાખ વસ્તારપુરની સરકારી વસાહત નીચે રોકડમાં લાંચ લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે આ ઉપરાંત તેણે એક આઈફોન 11 પ્રો પણ છ દિવસમાં લીધો હતો. એટલે કે કુલ 45.12 લાખની મત્તા તેણે આ એક જ કેસમાં ઊભી કરી લીધી હતી. આંગડિયા પેઢીના કર્મચારીઓની પુછપરછમાં એવી વિગતો જાણવા મળી રહી છે. તેમની પુછપરછમાં એવું પણ જાણવા મળ્યું છે કે, તેણે આ તમામ વ્યવહાર માત્ર 1 ફેબ્રુઆરીથી માંડીને 6 ફેબ્રુઆરી સુધીમાં એટલે કે છ જ દિવસમાં ખેલ પાડી દીધો હતો.

શ્વેતા ત્રણ વર્ષથી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી હતી. જેને પગલે હવે પ્રશ્નો એવા ઊભા થઈ રહ્યા છે કે, આ એક કેસમાં તેણે આટલી મોટી ગેમ રમી નાખી હતી તો હવે તેણે ત્રણ વર્ષ દરમિયાન શું નું શું કરી નાખ્યું હશે. ઉલ્લેખનીય છે કે તેના પિતા સામે પણ કેશોદમાં અગાઉ ગુનો નોંધાઈ ચુક્યો છે.