મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ 50 લોકોનું ટોળું એક શાંતિપ્રિય રીતે બેનર્સ સાથે એફીલ ટાવર અને ઈન્ડિયન એમ્બેસી પેરિસ ખાતે પહોંચી વિરોધ પ્રદર્શન કર્યા હતા. જોકે આ વિરોધ પેરિસમાં કોઈ માગણીને લઈને નહીં પરંતુ ભારતમાં લાગુ કરાયેલા સીએએ (નાગરિક્તા સંશોધન કાયદા) અને એનઆરસી (નેશનલ રજિસ્ટર ઓફ સીટીઝન્સ)ના વિરોધમાં હતો. તેઓએ ભારતમાં પોલીસ દ્વારા કરાયેલી બર્બરતાની સખ્ત શબ્દોમાં નિંદા કરી હતી. India Modi-fied against Muslim, No CAA-N NRC, ભારત તેની અખંડ એક્તા માટે જાણીતું છે તેના ભાગલા ન કરો જેવા બેનર્સ સાથે તેમણે વિરોધ કર્યો હતો. નોંધનીય છે કે અઠવાડિયામાં આ ત્રીજી વખત પેરિસમાં સીએએ-એનઆરસી મુદ્દે વિરોધ જોવા મળ્યો હતો.

આ સાથે તેમના દ્વારા ભારતીય બંધારણની પ્રસ્તાવનાનું ગૌરવપૂર્ણ વાંચન અને તે સહિતના ગીતોનું વાંચન એફિલ ટાવ ખાતે કરાયું હતું, સાથે જ ભારતીય દૂતાવાસ (ઈન્ડિયન એમ્બેસી) ખાતે નેશનલ એન્થમ પણ ગવાઈ હતી. તેમણે અહીં સીએએ અંગેની સમજ આપવા માટે અન્ય મુસાફરોને પણ પત્રિકાઓ વહેંચી હતી. આ વિરોધ પ્રદર્શન દ્વારા આયોજકોનું તેને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં વિસ્તરણ કરવાનું લક્ષ્ય છે. વિશ્વના ધર્મનિરપેક્ષ પ્રકૃતિને સુરક્ષીત રાખવા માટે ભારતીયોની એક્તા એ જ સૌથી મોટી લોકશાહી છે તેવું તેમનું માનવું છે. ખાસ કરીને જે લોકો તેનાથી અસંમતિ દર્શાવે છે તે લોકો માટે.

આ વિરોધકર્તાઓ દ્વારા ભારત સહિતના આંતરરાષ્ટ્રીય સાથીઓને પણ વિનંતી કરાઈ હતી. ખાસ કરીને ફ્રાન્સમાં રહેતા લોકો. તેમનું કહેવું હતું કે, ભારતમાં ભારતીય બંધારણના અધિકારોને ટેકો આપો અને તેના ઉલ્લંઘનનો વિરોધ. ધર્મને ધ્યાનમાં લીધા વગર નાગરિક્તાના હકોને સુરક્ષિત કરો. બીજી તરફ વિરોધકર્તાઓને ધાકધમકીનો પણ સામનો કરવો પડ્યો હતો. કેટલાક વ્યક્તિઓ દ્વારા તેમને ધમકાવાયા હતા. જેમણે ભાજપ તરફી સૂત્રોચ્ચાર કરીને આ કાર્યક્રમમાં અવરોધ લાવવાના પ્રયત્ન સાથે માગ કરી હતી. જોકે પ્રદર્શન કર્તાઓએ તેનો જવાબ ગીત ગાઈને આપ્યો હતો. તેમણે હમ હોંગે કામ્યાબ... એ ગીતથી શાંતિપૂર્ણ સ્વભાવ જાળવી રાખ્યો હતો.

પેરિસના સંશોધન વિદ્વાન ડેમિયન કે જે નવી દિલ્હીના છે તેમણે કહ્યું કે, સીએએ મૂળભૂત રીતે પ્રકૃતિમાં ભેદભાવકારક અને નાગારિકોના ધર્મને આધારે વર્ગીકરણ કરાયા હોય તેવું આઝાદ ભારતના ઈતિહાસમાં પહેલી વખત થયું છે. વિરોધીઓ એવું પણ માને છે કે આ સુધારણા ભારતના બંધારણના આર્ટિકલ 14નું ઉલ્લંઘન કરે છે. જેમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે કાયદા તમામ લોકોનું રક્ષણ કરે છે.

મૂળ ગુજરાતના વતની સાહિલ કે જે હાલ પેરિસમાં કામ કરે છે તેમનું કહેવું છે કે, એક એવો વર્ગ પણ છે કે જેમનું કહેવું છે કે સીએએમાં કાંઈ પણ ખોટું નથી, પરંતુ નિર્ણાયક બાબત એ છે કે ચિત્રમાં, સીએએ આખરે ભારતમાં એનઆરસી સાથે જોડાણ કરીને ધર્મનિરપેક્ષતા અને બહુવચનવાદના સિદ્ધાંતોને નબળા પાડવાની ધમકી આપી રહ્યો છે. જેના પર આખા આઝાદ ભારતનું નિર્માણ થયેલું છે.

વિદ્યાર્થી સમુદાય પર જામિયા ખાતે, ગુવાહાટી યુનિવર્સિટી, દિલ્હી યુનિ. સહિતની ઘણી જગ્યાઓ પર વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા જે બર્બરતા થઈ તેની પણ તેમણે નિંદા કરી આવા ગેરકાયદે દમનને તાત્કાલીક સમાપ્ત કરી દેવાની માગ કરી છે. તમિલનાડુની મૂળ વતની અને પેરિસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ભારતીનું કહેવું છે કે, યુનિવર્સિટીઓમાં જે પ્રકારે પોલીસની નિર્દયતા જોવા મળ હતી અને યુપીમાંથી જે પ્રકારની બાબતો સામે આવી હતી તે અત્યંત ડરામણી હતી. મને આશ્ચર્ય થાય છે કે શું લોકશાહી ભારતનો મૂળ વિચાર ફક્ત મારા જ મનમાં છે.