મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠા: સાબરકાંઠામાં કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલે અનોખો વિરોધ દર્શાવ્યો. સંકલન સમિતિની બેઠક દરમિયાન તેઓ જમીન પર બેસી ગયા હતા. તેમના વિસ્તારમાં ગ્રાન્ટની ફાળવણી કરવામા અસમાનતા રખાતી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. જેના મુદ્દે વિરોધ દર્શાવવા માટે તેઓ જમીન પર બેસી ગયા હતા. જોકે આ અંગે હાલ તો કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપી દેવાયા છે. સાથે જ જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.

ધારાસભ્યની ગ્રાન્ટ પણ અધિકારીઓ જ બારોબાર જ વાપરી દેતા હોય તેવા આક્ષેપ કરાયા છે. ખેડબ્રહ્માના ધારાસભ્યની ગ્રાન્ટના 60 લાખ રુપિયા બારોબાર જ કોન્ટ્રાકટરોને ભ્રષ્ટાચાર દ્વારા ફાળવી દેવાયા હોવાનો આક્ષેપ કર્યો હતો. ધારાસભ્યના વિરોધ અને આક્ષેપોથી સંકલન સમિતિની બેઠકમાં જાણે કે સ્તબ્ધતા છવાઈ ગઈ હતી. વિધાનસભાના દંડક અને ખેડબ્રહ્મા મત વિસ્તારના ધારાસભ્ય અશ્વીન કોટવાલે આજે સંકલન સમિતિની બેઠકમાં હાજરી આપવા માટે આવ્યા હતા. પરંતુ હાજરી એવી આપી હતી કે, અધિકારીઓ માટે શું સવાલ જવાબ કરવા એ વાત કરતા જાણે કે પરસેવો વળી ગયો હતો. બેઠક શરુ થવાને બદલે થંભી ગઈ. દંડ અશ્વીન કોટવાલે પોતાની ફાળવેલી બેઠક પર બેસવાને બદલે જ સીધા જ પોતાની ફાઈલો લઈને રાઉન્ડ ટેબલની વચ્ચે જમીન પર બેસી ગયા હતા અને પોતાની વાત સાથે અધીક કલેકટર સમક્ષ રજૂઆત કરી.

દંડક કોટવાલના અનોખા વિરોધના પગલે કલેકટર અને ડીડીઓ જેવા ઉચ્ચ અધિકારીઓ પણ બેઠકમાં હાજર થવાને બદલે પોતાની ચેમ્બરમાં જ બેસી રહ્યા હતા. એક કલાક સુધી દંડક કોટવાલે ભોયતળીયે બેસી રહેતા આખરે કલેકટરે અધિક કલેકટરની મારફતે આક્ષેપો સાંભળીને નિરાકરણ લાવવા માટે કલેકટરની ચેમ્બરમાં જવાબદાર અધિકારીઓને હાજર રાખીને બેઠક લીધી હતી. આખરે તપાસ કરવા માટેના આદેશો આપી ફાળવેલી ગ્રાન્ટને સ્થગીત કરવા માટે હુકમ કરતા જ મામલો થાળે પડ્યો હતો.

અશ્વીન કોટવાલ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના દંડક છે. આ સમગ્ર વાતમાં તેમણે કહ્યું કે, મારી દોઢ કરોડ રુપિયાની ગ્રાન્ટની રકમમાંથી 60 લાખના કામોને બારોબાર જ મને તરીકે મને અંધારામાં રાખીને જ કોન્ટ્રાકટરોને ફાળવી દીધેલી છે. દોઢ ટકાની રકમના ભ્રષ્ટાચાર માટે થઇને આ રીતે ધારાસભ્યને અંધારામાં રાખીને ફાળવણી કરીને કામો આપી દીધેલા છે. જે બાદ કલેકટરે તપાસના આદેશ આપ્યા છે. રાજ્યના તમામ ધારાસભ્યોએ પણ પોતાની ગ્રાન્ટ માટે સાવચેતી દાખવવી જોઈએ. અધિકારીઓ આવી રીતે ધારાસભ્યોને અંધારામાં રાખીને ગ્રાન્ટનો ગેરઉપયોગ કરી શકે છે.

સાબરકાંઠા જિલ્લા આયોજન અધિકારી પી.આર જોષી મીડીયા સામે આ અંગેના આક્ષેપો ખોટા છે. એમ કહી બચાવ રજૂ કર્યો હતો.