મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં રવિવારે રાત્રે થયેલી હિંસા પર દિલ્હી પોલીસએ સોમવારે પત્રકાર પરિષદ યોજી હતી. દિલ્હી પોલીસના પીઆરઓ એમએસ રંધાવાએ કહ્યું કે ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ પાસે છે. તમામ સીસીટીવી ફૂટેજની તપાસ થઈ રહી છે. કેટલાક પુરાવા મળ્યા છે જેની તપાસ થઈ રહી છે. તેમણે કહ્યું કે પીસીઆર કોલ મળતાં જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. અમે સ્થિતિને કાબૂમાં લીધી હતી. ત્યાં જ તેમણે એવું પણ કહ્યું તે તમામ 34 ઘાયલોને હોસ્પિટલમાંથી હવે ડિસ્ચાર્જ પણ મળી ગઈ છે. જોકે બીજી તરફ હાલમાં જ દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પર લોકોની મોટી સંખ્યા મશાલ માર્ચ સાથે આવી પહોંચી છે.

લોકોની મોટી સંખ્યામાં કેટલાક માસ્ક પહેરીને આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રવિવારે થયેલી હિંસામાં શખ્સો મોંઢા પર માસ્ક પહેરીને યુનિ.માં હિંસા કરી રહ્યા હતા. આ ઉપરાંત શખ્સો એબીવીપીના હોવાની પણ વાત મળી હતી. હાલ જે ટોળા રસ્તા પર ઉતરી આવ્યા છે તેઓની સંખ્યા ઘણી મોટી છે અને તેઓ જેએનયુમાં થયેલી હિંસા સામે વિરોધ દર્શાવી રહ્યા છે. આ હિંસાના મામલામાં પોલીસે ફરિયાદ પણ દાખલ કરી દીધી છે. જોકે લોકો મુંબઈ અને પુણેથી અને દેશના અન્ય ખુણાઓથી પણ અહીં આવી રહ્યા છે અને વિરોધ પ્રદર્શન  કરી રહ્યા છે.

જેએનયુના એક પ્રોફેસરનું કહેવું છે કે હું અને મારા ત્રણ સહકર્મી બસ સ્ટેન્ડ પાસે ઊભા હતા ત્યારે અચાનક મોંઢા પર માસ્ક પહેરીને એક ભીડ આવતી જોઈ. પાસે આવવા પર તેમણે પત્થર ફેંકવાના શરૂ કરી દીધા અને અમને મારવાના શરૂ કરી દીધા. તેમણે મને ઘેરી લીધો અને મારા હાથ પગ પર મારવા લાગ્યા. 

ઉલ્લેખનીય છે કે રવિવારે આ ઘટનામાં છાત્રસંઘની અધ્યક્ષ આઈશી ઘોષને પણ ઈજાઓ થઈ હતી. તે સહીતના ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા. આજે આ હિંસાના વિરોધમાં આવેલા લોકોમાં ઈન્ડિયન યુથ કોંગ્રેસના સભ્યો પણ જોડાયા હતા. (ગતરોજ બનેલી ઘટનાઓના વીડિયોઝ અહીં અત્યંત હિંસાત્મક હોવાને પગલે દર્શાવ્યા નથી.)