ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): બુરસા મલેશિયા ડેરિવેટિવઝ એક્સ્ચેન્જ ખાતે, ગત સાપ્તાહાંતે નફો ખાઈને તગડા થયેલા તેજીવાળા, ક્રૂડ પામ ઓઇલ (સીપીઓ)ના વાયદાને આ સપ્તાહે ૧૨ મેના રોજ સ્થપાયેલી ૪૫૨૫ રિંગીટ પ્રતિ ટનની ઊંચાઈ વટાવવાનો પ્રયાસ કરશે. તેજીવાળાની તરફેણ, અત્યારે ફંડામેન્ટલ્સ પણ કરી રહ્યાં છે. ટ્રેડરો કહે છે કે પામફ્રૂટ ઉતારવાની સિઝન આખરી તબક્કામાં પહોંચી છે, એ ચિંતાનો વિષય છે. કોરોના મહામારીને લીધે મજૂરો મળવા મુશ્કેલ થઈ ગયા હોવાથી આમ પણ ઉત્પાદનની ગતિ ધીમી પડી ગઈ હતી, તેનું પ્રીમિયમ વાયદામાં સામેલ થઈ ગયું છે.

સોયા અને અન્ય તેલના ભાવ મજબૂત થવાને પગલે ગત સપ્તાહે સીપીઓ વાયદો ૩.૫ ટકા વધ્યો હતો, જે છેલ્લા છ સપ્તાહથી સતત વધી રહ્યો છે. અલબત્ત, ભાવ વેગથી વધ્યા હોઇ, પામતેલની માંગને પણ અસર થઈ છે. આ બધા મુદ્દાને લીધે સાવચેતી ખાતર ફોલો થ્રુ બાઈંગ ના આવતા શુક્રવારે તેજીવાળાએ નફા બુકિંગ કરી ઓકટોબર વાયદામાં ૧.૨૬ ટકાનું ગાબડું પાડ્યું, ભાવ ૪૩૭૧ રિંગિટ (૧૦૩૬ ડોલર) બંધ થયો. આ તરફ ઊંચા ભાવને લીધે હાજર બજારમાં પણ કોઈ આયાતકાર ગ્રાહક, સોદા હાથમાં લેવા તૈયાર ન હતું.

Advertisement


 

 

 

 

 

દરમિયાન સીબીઓટી સોયાતેલ વાયદો પણ શુક્રવારે ૧.૬૧ ટકા ઘટ્યો હતો. આઇસીઇ નવેમ્બર કનોલા (રાયદા) વાયદો ૪.૫૦ ડોલર ઘટી ૮૭૮.૪૦ ડોલર મુકાયો હતો. પામતેલ, જાગતિક બજારમાં ખાધ્યતેલની નિકાસ સ્પર્ધામાં હોવાથી વૈશ્વિક ભાવની અસર તેના પર તુરંત થઈ હતી, ઊંચા ભાવે બાયરો બજારમાંથી ખસી ગયા હતા. ભાવ વધવાનું અન્ય એક કારણ ભારત અને ચીન જેવા મોટા પામતેલ આયાતકાર દેશમાં માંગ વધુ હોવાથી, તેઓ રિસ્ટોકિંગ માટે સોદા હાથમાં રાખવા લાગ્યા હતા. પામ ઓઇલની તેજી ૩૩૭૫ રિંગીટ ભાવથી બોટમ આઉટ થઈ ૧૧ મહિનાની ઊંચાઈએ પહોંચી છે.

જાગતિક ખોરાકના ભાવ મે મહિનામાં છેલ્લા એક દાયકામાં ન વધ્યા હોય તેટલી ઝડપથી વધ્યા હતા. યુનાઈટેડ નેશન્સની સંસ્થા ફૂડ એન્ડ એગ્રિકલ્ચરલ ઓર્ગેનાઇઝેશનએ કહ્યું કે સપ્ટેમ્બર ૨૦૧૧ પછી પહેલી વખત એવું બન્યું છે કે ખોરાકના ભાવો સતત ૧૨માં મહિને માસિક ધોરણે વધ્યા હતા. મે મહિનામાં ખાસ કરીને પામ ઓઇલ, સોયા તેલ અને રાયડા તેલના ભાવ વેગથી વધતાં સર્વાંગી ખાધ્યતેલના ભાવ ૭.૮ ટકા વધ્યા હતા. બાયો ડીઝલ ક્ષેત્રની પામઓઇલ માટેની ભરપૂર માંગે વૈશ્વિક ભાવમાં જબ્બર ઉછાળો આવ્યો હતો.  

ભારત સરકારના સત્તાવાર આંકડા કહે છે કે ગતવર્ષના જુલાઈની તુલનાએ આ જુલાઈમાં છૂટક ખાધ્યતેલના ભાવ બાવન ટકા ઉછળ્યાં હતા. ૨૭ જુલાઈ સુધીમાં રાયડા તેલના ભાવ ભારતમાં ૩૯ ટકા, વનસ્પતિ ઘી ૪૬ ટકા, સોયાબીન તેલ ૪૮ ટકા અને સૂર્યમુખી તેલના ૫૧.૬૨ ટકા જ્યારે પામ તેલના ૪૪.૪૨ ટકા વધ્યા હતા.

Advertisement


 

 

 

 

 

રિફાઈન્ડ બ્લીચડ એન્ડ ડીઓડરાઇઝ્ડ (આરબીડી) પામ ઓઇલ અને આરબીડી પામોલિનની નિયંત્રિત આયાત નીતિ જે ૩૦ જૂનથી ૨૦૨૧થી અમલી બનાવાઇ હતી તેમાં સુધારો કરીને હવે મુક્ત આયાત નીતિની યાદીમાં મૂકવામાં આવ્યા છે. આ તરફ ભારતના ૧૬ રાજ્યોમાં હાલમાં ૩.૪૯ લાખ હેકટરમાં પામ બગીચાની ખેતી થાય છે, જે ભારતની કૂલ માંગના માત્ર ૧ ટકાને સંતોષી શકે છે. આ ખેતીને ૨૦૨૧૪-૧૫માં નેશનલ મિશન ઓન ઓઇલ સીડ્સ એન્ડ પામ ઓઇલ્સ યોજના તરતી માઉકવામાં આવી હતી. પાછળથી ૨૦૧૮-૧૯માં તેને નેશનલ ફૂડ સિક્યુરિટી મિશનમાં સમાવેશ કરી લેવામાં આવી હતી.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)