મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ

માનનીય

શ્રી ગુણવંત શાહ સાહેબ

 

આપનો તારીખ ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ ગુજરાતના અખબાર ****માં આવેલો લેખ વાંચ્યો જેમાં આપે જે.એન.યુ. ને જેહાદી નપાવટ યુનિવર્સિટી તરીકે ઓળખાવી છે અને ટુકડે ટુકડે ગેંગ નો પણ ઉલ્લેખ કર્યો છે. 

આપની જાણ સારું કે જે.એન.યુ. દેશની સર્વોચ્ચ યુનિવર્સિટીમાંની એક છે. National Institution Ranking Framework (NIRF) ના સર્વેક્ષણ મુજબ ગયા વર્ષે તે સમગ્ર દેશમાં બીજા ક્રમે હતી. જ્યારે તમામ સંસ્થાઓને ધ્યાનમાં લેવામાં આવે તો તે દેશમાં સાતમા ક્રમે હતી. આ ક્રમ દેશની અન્ય સંસ્થાઓ જેવી કે IIMs અને IITs કરતાં પણ આગળ છે. 

છેલ્લાં ઘણાં વર્ષોથી જે.એન.યુ. નો દેશની શ્રેષ્ઠ પાંચ યુનિવર્સિટીઓમાં સમાવેશ થાય છે. 

Times Higher Education Rankings મુજબ ૨૦૧૫માં સમગ્ર એશિયામાં જે.એન.યુ.નો ક્રમ ૯૬મો હતો.

આપ જેને નપાવટ કહી રહ્યા છો તેને MHRD શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા માને છે.

હવે પ્રશ્ન એ ઊભો થાય કે તમે સમજવામાં ભૂલ કરો છો અથવા તો NIRF કે જે MHRD દ્વારા ૨૦૧૫માં સ્થાપિત છે તે ક્રમ આપવામાં લોચા મારે છે.

હવે વાત આવે છે ટુકડે ટુકડે ગેંગની. જો દેશમાં ક્યાંય પણ દેશની વિરુદ્ધમાં નારા લાગ્યા હોય અથવા તો લાગે તો તેની સામે કડક પગલાં લેવા જ જોઈએ અને તેમાં કોઈ જ બેમત નથી.

પરંતુ અહીં તો ગૃહ મંત્રાલય એક RTIના જવાબમાં તારીખ ૨૦ જાન્યુઆરી ૨૦૨૦ના  રોજ કહે છે કે અમને ટુકડે ટુકડે ગેંગ વિષે કશી જાણ નથી અથવા તો તે ગેંગમાં કોણ છે તે ખબર નથી. જો ગૃહ મંત્રાલયને એ વાતની ખબર ન હોય અને તમને જાણ હોય તો આપ શ્રી ગૃહ મંત્રાલયનું ધ્યાન દોરો તેવી નમ્ર વિનંતી

દેશ અત્યારે ગંભીર હાલતમાંથી પસાર થઈ રહ્યો છે અને આવા સંજોગોમાં સરકારને ખુશ રાખવા કરતાં આપની જરૂર રસ્તા પરના આંદોલનોમાં વધારે છે તે પછી તરફેણમાં હોય કે વિરોધમાં. 

આપ શ્રી તાર્કિક રીતે વિચારશો અને લખશો તેવી આશા છે. બાકી ભારતના બંધારણનું આમુખ તો આપે વાંચ્યું જ હશે.

- આત્મન શાહ

સેન્ટ ઝેવિયર્સ કોલેજ