મેરાન્યૂઝ નેટવર્ક.પોરબંદરઃ અરબી સમુદ્રમાં આઇએબીએલની વિસંગતતાનો ભોગ અનેક નિર્દોષ ભારતીય માછીમારો બનતા આવ્યા છે.ત્યારે પાકિસ્તાન મરીન એજન્સીએ ભારતીય સીમમાં ઘૂસી એક માછીમાર બોટના કરેલા અપહરણ બાદ કરાચી જેલમાં સબડતા એક ઉનાના કેદીનું કરાચીમાં જ મૃત્યુ નીપજ્યું હોવાની વિગતો સામે આવી છે. આ ઘટના અંગે પાકિસ્તાની દુતાવાસ દ્વારા કે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા મૃતકના પરિવાર જનોને જાણ કરવામાં આવી નથી. મૃતક માછીમારના સાથીદારે પોતાના ઘરે લખેલ પત્રમાં આ વિગતો ટાંકતા સમગ્ર ઘટના ઉજાગર થવા પામી છે. ઉનાના માછીમારના મૃત્યુના સમાચારને લઈને પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

ભારત-પાકિસ્તાનના વિભાજન બાદ અરબી સમુદ્રમાં આવેલ આઈએમબીએલને લઇને હમેશા વિવાદ થતા આવ્યા છે. દેશની આઝાદી બાદ પાકિસ્તાની મરીન એજન્સી દ્વારા અવરનવાર સમુદ્ર સીમામા ઘુસી નિર્દોષ માછીમારોના બોટ સાથે અપહરણ કરી જવાના બનાવો છાસવારે બનતા આવ્યા છે. ત્યારે તાજેતરમાં ભારતીય માછીમારી  બોટના અપહરણ બાદ પાકિસ્તાની મરીન એજન્સી ખલાસીઓને પાકિસ્તાનના કરાચી બંદર લઇ ગઈ હતી. જ્યાં તમામની સામે જળસીમા ઉલ્લંધન સબબ કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યારબાદ તમામને કરાચી જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. કરાચી જેલમાં રહેલા વિજય નામના ઉનાના કેદીએ ૩૦મી સપ્ટેમ્બરના રોજ પોતાના પરિવારને પત્ર પાઠવી ઉપરોક્ત વિગતો આપી હતી.

નેશનલ ફીસ ફોરમના મનીષ લોઢારી પાસેથી મળેલ પત્રમાં જણાવાયા મુજબ, પોતાની સાથેના માછીમારને યુરીન તકલીફ હોવાથી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. પરંતુ સારવાર કારગત નીવડે તે પૂર્વે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે સ્થાનિક માછીમાર પરિવારજનોને જાણ કરવામાં આવી નથી. વિજય નામના માછીમારે પોતાના પરિવારને પાઠવેલ પત્રમાં મૃતકના પરિવારજનોને જાણ કરી દેવા કહ્યું છે.  પખવાડિયા પૂર્વે ઘટેલી આ ઘટના અંગે મૃતકના પરિવારજનોને કોઈ જાણ કરવામાં આવી નથી એમ લોઢારીએ જણાવ્યું હતું. માંચ્છીમારના મૃત્યુ અંગે સરકાર તપાસ કરાવે તેવી પણ માંગણી કરવામાં આવી છે.