મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: છેલ્લા એક દશકાની ચર્ચાઓ અને અટકળો બાદ આખરે પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રી થઇ છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના મોટા બહેન પ્રિયંકા વાડ્રાને મહાસચિવ બનાવવાની જાહેરાત કરી પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકેની જવાબદારી સોપી છે. ભાજપના અભેદ ગઢ સમાન ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ છેલ્લા બે દસકાથી સત્તામાંથી બહાર છે, ત્યારે કોંગ્રેસના આ માસ્ટર સ્ટ્રોકથી ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાય તેવું રાજકીય ગણિત છે.

ગાંધી પરિવારમાં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો ચહેરો ગણાતા પ્રિયંકા વાડ્રાએ વર્ષોની અટકળો બાદ સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી મારી છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કરેલી આ નિમણુંકની પ્રેસ દ્ધારા જાહેરાત કરવામાં આવી હતી. પ્રિયંકા વાડ્રાને કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ બનાવવા સાથે આગામી લોકસભાની ચુંટણી માટે ઉત્તર પ્રદેશના પ્રભારી નીમવામાં આવ્યા છે.

આ સાથે કોંગ્રેસ દ્ધ્રારા પ્રિયંકાને પ્રથમવાર રાજકીય પાવર સોંપવા સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ એઆઈસીસીના મહાસચિવ બનાવવા સાથે પશ્ચિમ ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. ઉત્તર પ્રદેશના પ્રભારી રહેલા ગુલામનબી આઝાદને હરિયાણામાં પ્રભારી નીમવામાં આવ્યા છે. જ્યારે કે. સી. વેણુગોપાલને કોંગ્રેસ સંગઠનની જવાબદારી સોંપવામાં આવી છે.

રાજકારણમાં સત્તાવાર પ્રવેશ કરનાર પ્રિયંકા વાડ્રા આગામી ફેબ્રુઆરી મહીનાના પ્રતઃમ અઠવાડીયામાં પોતાનો કાર્યભાર ગ્રહણ કરશે. આ જાહેરાત પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ જ્યાં જરૂર પડશે ત્યાં ફ્રન્ટફૂટ પર રમશે. પ્રિયંકા વાડ્રાને સોંપાયેલી જવાબદારી અંગે તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની વિચારધારાને આગળ વધારવાની છે.

પ્રિયંકા વાડ્રા ક્યાંથી ચુંટણી લડશે તેવાં પ્રશ્નના જવાબમાં રાહુલે કહ્યું કે, તેનો નિર્ણય પ્રિયંકા જ કરશે. આ અગાઉ સપા-બસપાના ગઠબંધનમાંથી કોંગ્રેસને બાકાત રાખતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કોંગ્રેસ યુપીમાં તમામ બેઠકો પર ચુંટણી લડી ચોંકાવનારા પરિણામ આપશે. તેના ભાગરૂપે જ પ્રિયંકાના રાજકીય ક્ષેત્રે થયેલા વિધિવત રીતે થયેલા પ્રવેશથી ઉત્તર પ્રદેશમાં છેલ્લા બે દસકાથી રાજકીય ફલક પરથી લગભગ બહાર રહેલા કોંગ્રેસમાં પ્રાણ પુરાવાની ગણત્રી છે.

આ સાથે અત્યાર સુધી અનેક કિસ્સાઓમાં રાહુલ ગાંધી માટે સહાયકની સાથે પડદા પાછળ રહીને રાજકીય નિર્ણયો લેવામાં મદદ કરનાર પ્રિયંકા વાડ્રાના હાથમાં જ રિમોટ કંટ્રોલ રહે તેવા રાજકીય અનુમાનો છે.