મેરાન્યૂઝ નેટવર્ક.ભાવનગર: વહેલી સવારે સિહોરના ઘાંઘળી નજીક બસ અને બાઈકનો અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર પતિ-પત્નીના કમકમાટીભર્યા મોત નિપજયા છે. આ દંપતિ મૂળ બગદાણાના કરમદિયા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, બસ વોંકળામાં ખાબકી હતી. બસમાં સવાર તમામ મજૂરોને બસમાંથી સલામત રીતે બહાર કાઢ્યા હતા. ઘટનાને પગલે દોડી ગયેલી પોલીસ અને 108ની ટીમો દ્વારા જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 

જાણવા મળતી વિગત મુજબ મહુવાના ઘાંઘળી પાસે મિની બસ અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. મિની બસમાં મજૂરો સવાર હતા, જેઓ મજૂરી અર્થે જવા નીકળ્યા હતા. આવામાં અકસ્માત થતા બસ વોંકળામાં ખાબકી હતી. પરંતુ બસની ટક્કરથી બાઈક પર જતા દંપતીનું મોત નિપજ્યું છે. મહુવાના કરમદીયા ગામે રહેતા એભલભાઈ ડાભી અને શોભાબેન ડાભી નવરાત્રિનો પર્વ હોઈ માતાજીના દર્શન કરવા જતા હતા. 

બંને ચોગઠ ગામે માતાજીના નૈવેદ્ય ધરાવવા જતા હતા. બંનેનું અકસ્માતમાં કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. એભલભાઈ અને શોભાબેનને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. ત્યારે દંપતીના એકસાથે મોત બાદ ત્રણેય સંતાનોએ માતાપિતાની છત્રછાયા ગુમાવી છે. જેને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. હાલ પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી જરૂરી તપાસ શરૂ કરી છે.