મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ કોરોનાના કારણે જ્યારથી લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારથી સુરત સ્થિત લાજપોર મધ્યસ્થ જેલના કેદીઓને રૂબરૂ મળવા આવનારાઓને મનાઇ ફરમાવી દેવામાં આવી છે. પણ, કેદીઓને પરિવારજનો સાથે મુલાકાત તો કરાવવી જ જોઇએ એ વાતને ધ્યાને લઈ ઓન લાઇન મુલાકાત કરાવવાની વ્યવસ્થા જેલના સત્તાધીશો દ્વારા ગોઠવવામાં આવી છે. પરિણામે અત્યાર સુધીમાં 78 કેદીઓએ આ રીતે ઓન લાઇન મુલાકાતનો લાભ લીધો છે. હજુ પણ આ વ્યવસ્થા કાર્યરત જ છે.

જેલ સુપ્રિન્ટેન્ડન્ટ મનોજ નિનામાએ કહ્યું કે સરકાર દ્વારા એક વેબ સાઇટ કાર્યરત કરવામાં આવી છે. જે કેદીના પરિવારજનો ઓન લાઇન મુલાકાત કરવા માગતા હોય તેમણે આ વેબ સાઇટમાં લોગ ઇન કરવું પડે. આ રીતે જે પણ કોઇ લોગ ઇન કરે તેની યાદી જેલના સત્તાધીશો પાસે આવે. તેમાંથી જેટલા કેદીઓને ઓન લાઇન વાત કરવાની હોય તે નક્કી કરી તે તમામને મંજૂરી આપવામાં આવે છે. પછી એ વેબ સાઇટ પર મુલાકાતનું એક ઓપ્શન આપ્યું હોય ત્યાં જઈને મુલાકાત ઓન લાઇન કરાવવામાં આવે છે. ગઈ તા. 24મી માર્ચથી અત્યાર સુધીમાં 78 કેદીઓએ આ રીતે ઓન લાઇન મુલાકાત કરી છે. લાજપોર જેલમાં કુલ 2,500થી વધુ કેદીઓ છે. જેમાંથી મોટા ભાગના કેદીઓ આ રીતે ઓન લાઇન મુલાકાત કરી શકે તે માટે જેલના સત્તાધીશો સતત પ્રયત્નશીલ છે.