મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને અમદાવાદની એચ કે કોલેજના એક કાર્યક્રમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ કોલેજ અમદાવાદની પ્રતિષ્ઠિત કોલેજીસ પૈકીની એક છે. આ વાર્ષિકોત્સવનો કાર્યક્રમ હતો જેમાં આ જ કોલેજના પૂર્વ વિદ્યાર્થી રહી ચુકેલા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને કોલેજના આચાર્ય હેમંત શાહે આમંત્રીત કર્યા હતા જોકે વિરોધ થતાં ટ્રસ્ટી મંડળે પરવાનગી ન આપતા હેમંત શાહે નારાજ થઈ રાજીનામું સોંપી દીધું હતું.

અમદાવાદ શહેરના આશ્રમ રોડ પર આવેલી એચ કે આર્ટ્સ કોલેજમાં વાર્ષિકોત્સવ ઉજવાઈ રહ્યો છે જે અંતર્ગત કોલેજના જ પૂર્વ વિદ્યાર્થી અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા માટે આમંત્રીત કરવામાં આવ્યા હતા, પણ આ વાતથી સ્થિતિ એવી બની કે કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમનો વિરોધ કર્યો જેથી કોલેજના ટ્રસ્ટી મંડળે કાર્યક્રમમાટે હોલ આપવાનો જ ઈન્કાર કરી દીધો અને કાર્યક્રમ રદ્દ કરવાની ફરજ પડી.

આ ઘટનાથી કોલેજના કાર્યકારી આચાર્ય હેમંત શાહે રાજીનામું આપી દીધું હતું. હેમંત શાહે રાજીનામું આપતાં આ ઘટનાને વાણીસ્વાતંત્રયના અધિકારનું હનન તરીકે દર્શાવી હતી. તેમણે આ અંગે પોતાનો રોષ ઠાલવ્યો હતો. તેમણે કહ્યું કે, હાલનો રાજકીય માહોલ ભારતના બંધારણમાં વિચાર, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના જે અધિકારો સ્વીકારવામાં આવ્યા છે. તેનું ગળું દબાવી દેવાના જેવો છે. જીગ્નેશ મેવાણી આ કોલેજનો પૂર્વ વિદ્યાર્થી છે. તેમને બોલાવી મેં કોઈ ભૂલ કરી હોય તેવું હું નથી માનતો. ભૂતકાળમાં કોલેજમાં અનેક રાજકીય આગેવાનોને બોલાવવામાં આવ્યા છે. ટ્રસ્ટીઓના આ નિર્ણયથી કોલેજના માન સન્માન તો નથી જ જળવાતા અને તળીએ બેસી જાય છે. ઉપરાંત સમાજમાં સંસ્થાના ગૌરવને તથા ટ્રસ્ટીઓની પ્રતિષ્ઠાને પણ બહુ મોટો બટ્ટો લાગ્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે, કોલેજનું આચાર્યપદ મેં ટ્રસ્ટીઓના આગ્રહથી સ્વીકાર્યું ત્યારે મારી એવી ધારણા હતી કે સમાજમાં આટલાપ્રતિષ્ઠીત એવા ટ્રસ્ટીઓ મને ભય વિના કામ કરવામાં જરૂર મદદ કરશે પણ આ મારા આશા ઠગારી નીવડી છે. નોબેલ ઈનામ વિજેતા ફ્રેન્ચ સાહિત્ય કાર પૌલ સાત્રનું માનવું છે કે, માનવી સંસ્થાનો ગુલામ બન્યો છે. હું કોઈ વ્યક્તિ કે સંસ્થાનો ગુલામ બની શકું નહીં.