મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: કેન્દ્રની સરકાર રાજકોટને એક પછી એક ભેટ આપી રહી છે. તાજેતરમાં જ વડોદરાની જગ્યાએ પણ રાજકોટને એઈમ્સની ભેટ આપવામાં આવી છે. અગાઉ આ વર્ષે જ રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવી મોટી ભેટ આપવામાં આવી છે. સાથે જ ગાંધીજી જ્યાં ભણ્યા તે આલ્ફ્રેડ સ્કૂલ બંધ કરી મ્યૂઝિયમ બનાવવામાં આવ્યું, ત્યારે જો સૂત્રોનું માનવામાં આવે તો, આ ભેટ સૂચક છે કે PM મોદી લોકસભાની ચૂંટણી રાજકોટથી લડવાની ઈચ્છા ધરાવે છે અને ખાનગી રીતે તેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. સામાન્ય રીતે ગુજરાતના નિવાસી હોવાને કારણે, નરેન્દ્ર મોદી ગુજરાતમાં એક બેઠક અને અન્ય રાજ્યની એક બેઠક પર ચૂંટણી લડે તેવી માન્યતા છે. ત્યારે ગુજરાતમાં રાજકોટની બેઠક મોદી માટે અનેક રીતે વધુ સલામત છે.

સમગ્ર ગુજરાતમાંથી રાજકોટ જ શા માટે ?

 

1. ફેબ્રુઆરી- 2002માં નરેન્દ્ર મોદી કારકીર્દિની પ્રથમ ચૂંટણી રાજકોટ પશ્ચિમ ધારાસભા બેઠક પરથી લડીને વિજેતા બની ચુક્યા છે.

 

2. પોતાની રાજકીય કારકિર્દીમાં રાજકોટ મહત્વનું હોવાનું તેઓ જાહેરમાં પણ બોલી ચૂકયા છે.

 

3. મુખ્યમંત્રી વિજય રૂપાણીનું હોમટાઉન અને ભાજપનો ગઢ માનવામાં આવે છે.

 

4. પાટીદારોનું પ્રભુત્વ અને અહીંના પાટીદારો મોટેભાગે ભાજપ તરફી છે.

 

5. રાજકોટમાં પાટીદાર બાદ કોળી મતદારોનું વર્ચસ્વ છે. ત્યારે કોળી સમાજના કદાવર નેતા કુંવરજી બાવળીયાનો ફાયદો પણ મળી શકે એમ છે. 

 

6. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ગાંધી મ્યુઝિયમ અને એઇમ્સ સહિતની સુવિધાઓ મળવાથી પ્રજા પણ ભાજપથી ખુશ છે.

 

7. વડાપ્રધાન રાજકોટમાંથી ચૂંટણી લડે તો તેનો ફાયદો સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર મળવાનું નિશ્ચિત છે.

 

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014માં મોદી યુપીની વારાણસી અને ગુજરાતની વડોદરા બેઠક પરથી ચૂંટણી લડયા હતા. જેમાં વડોદરા બેઠક પરથી તેઓ રાજીનામું આપી ચુક્યા છે. હાલ વારાણસી અને પુરી (ઓરીસ્સા) બેઠક માટે પણ તેમનું નામ ગાજી રહ્યું છે. જો કે હાલ તેમની રાજકોટથી ઉમેદવારી વિશે સત્તાવાર વર્તુળો મૌન છે, પરંતુ આ ચર્ચા શરૂ થવી સૂચક છે. ત્યારે ખાનગી રાહે આ માટેની તૈયારી ચાલતી હોય તો પણ નવાઇ નથી.