મહીસાગરના યુવા વૈદ્ય સંજય ભોઈ છેલ્લા ઘણા સમયથી આયુર્વેદ ક્ષેત્રે પોતાના ઉમદા કાર્ય માટે વિખ્યાત છે. તેઓ હાલ સરકારી આયુર્વેદ દવાખાનું ખેરોલી ખાતે મેડીકલ ઓફીસર તરીકે ફરજ બજાવે છે. જેનું સંચાલન નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે.

તાજેતરમાં મળેલ માહિતી મુજબ એઆઇએમએની એક બેઠકમાં વૈદ્ય સંજય ભોઈને એઆઇએમએનાં રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. આયુષ ઈંટરનેશનલ મેડીકલ એસોશિયેશન (એઆઇએમએ) એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. જે ગ્લોબલ મેડીકલ એસોસિયેશન તેમજ આયુષ ફાઉન્ડેશન- કેન્દ્ર સરકાર એક્ટ ૧૮૬૦ અંતર્ગત કાર્યરત સંસ્થાની શાખા છે.તેઓ વિશ્વભરમાં આયુર્વેદના પુનરુત્થાન અને પ્રચાર પ્રસારનું કાર્ય કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વૈદ્ય સંજય ભોઈ આયુર્વેદ ક્ષેત્રના ઉભરતા સિતારા છે. તેઓએ ગત વર્ષે પોતાના એક વિદ્ધકર્મ પર કરેલ રિસર્ચ માટે અંતરરાષ્ટ્રીય પદવી મેળવી હતી તેમજ તેમના આ કાર્ય માટે તેઓને ગુજરાત સરકાર દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આયુર્વેદ ક્ષેત્રે જવલ્લે જ ઉપયોગમાં લેવાતી ચિકિત્સા પદ્ધતિઓ જેવી કે વિદ્ધકર્મ- અગ્નિકર્મ- રક્તમોક્ષણ તેમજ જાલંધર બંધ દ્વારા ઇન્જેક્શન વગર દાંત કાઢી આપવામાં પણ તેઓનું આગવું કૌશલ્ય છે. જેના માટે સમગ્ર રાજ્યભરમાંથી દર્દીઓ તેઓની પાસે સારવાર લેવા ખેરોલી આવતા હોય છે. શ્વાસ-દમ, સારણગાંઠમાં કર્ણવેધન અને અગ્નિકર્મ થકી તેઓએ ઘણા દર્દીઓને ઓપરેશન કરાવવામાંથી બચાવ્યા છે. 

આ ઉપરાંત કોવિડ૧૯ ની આ મહામારીમાં તેઓ સતત લોકસેવા તેમજ આયુર્વેદ માટે કાર્યરત છે. તેઓ સોશીયલ મીડિયા દ્વારા પણ લોકોને આયુર્વેદ વિષે જાગૃતિ આપે છે તેમજ લાઈવ લેકચરપણ આપે છે. ઈન્સ્ટાગ્રામ પર તેઓને હજારો આયુર્વેદ વિદ્યાર્થીઓ સમગ્ર ભારત વર્ષમાંથી ફોલો કરે છે. તેમજ તેમની પાસે આયુર્વેદ શીખવા માટે દેશભરમાંથી મહીસાગર જીલ્લામાં આવે છે. વૈદ્ય સંજય તેઓને નિઃશુલ્ક આયુર્વેદનું જ્ઞાન આપે છે. હાલ થોડા સમય પહેલા જ તેઓએ ગુગલ મીટ, ઝૂમ તેમજ ફેસબુક- ઈન્સ્ટાગ્રામ વિગેરે માધ્યમથી પોતાના ૧૦૦થી વધુ લેકચર પૂર્ણ કર્યા હતા.આમ તેઓના કાર્ય થકી તેઓ આજે આયુર્વેદ યુવા આદર્શ બન્યા છે અને તેઓના કાર્યને ધ્યાને લઇ આયુર્વેદના પ્રચાર પ્રસાર માટે થઇ તેઓને એઆઇએમએ એ રાષ્ટ્રીય પ્રવક્તાની જવાબદારી સોપી છે. જે સમગ્ર મહીસાગર જિલ્લા અને ગુજરાત માટે ગૌરવની બાબત છે.