પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): અમદાવાદ સ્થિત પત્રકાર જીગ્નેશ પટેલ કોરોનાગ્રસ્ત થયા પછી અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની નિષ્ઠુરતા અને બેશરમીને કારણે કોરોનાગ્રસ્ત જીગ્નેશને આઠ કલાક સુધી એસવીપી હોસ્પિટલના કોરિડોરમાં સારવાર વગર બેસી રહેવું પડ્યું, પણ તંત્રએ તેને દાખલ કરવાનો ઈન્કાર કર્યો આખરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મધ્યસ્થતાને કારણે જીગ્નેશને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો પણ ગુજરાતના દરેક પત્રકાર અને સામાન્ય નાગરિકો એટલા ભાગ્યશાળી હોતા નથી કે જેમની દરેકની મદદે નીતિન પટેલ આવી શકે, પણ અહીં સવાલ આ બધા કરતાં જુદો છે, કે આ સમગ્ર મામલે જીગ્નેશ જે સંસ્થામાં કામ કરે છે તેના સહિત ગુજરાતના એક પણ સમૂહ માધ્યમો આ મામલે કાંઈ જ બોલવા તૈયાર નથી. સચિવાલયના સંત્રીથી લઈ મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ સુધી આપણી વગ છે તેવો દાવો કરતા જીગ્નેશના સાથી મિત્રો પણ આવું કેમ થયું તેવું કોઈ મંત્રીને પુછવાની હિંમત કરતાં નથી,

દેશમાં જ નહીં ગુજરાતમાં પણ સમૂહ માધ્યમોને માત્ર પૈસા રળવાનું સાધન ગણતા માલિકો અને પત્રકારો ચૂપ છે, તેમના માટે તેમનો જ પત્રકાર મશીનનો કોઈ પુર્જો હોય તેના કરતાં વિશેષ કાંઈ નથી. જ્યારે પત્રકાર બિચારો અને લાચાર બની ગયો છે. તે એટલો ડરેલો છે કે ખુદ તેની સાથે થઈ રહેલા અન્યાય માટે તે માલિકથી લઈ તંત્રને સવાલ પુછવાની હિંમત સુદ્ધા કરતો નથી.


 

 

 

 

છેલ્લા  બે દાયકામાં જે સ્થિતિનું નિર્માણ થયું તે આવનારા સમય માટે બહુ સારા સંકેત નથી. અગાઉ પણ માલિકો અને કંપનીઓ સમૂહ માધ્યમો દ્વારા ધંધો કરતી અને કમાતી હતી, પણ તેમને ખબર હતી કે તેમનો ધંધો લોકોની ચિંતા કરવાનો અને લોકોને સારું જીવન મળે તેવા પ્રયાસનો છે. જેમકે એક ડોક્ટરને ખબર છે કે તેનો ડોક્ટરી વ્યવસાય તેને પૈસા કમાવી આપે છે પણ તેનું મુખ્યકામ માણસને બચાવવાનું છે. આવું જ કાંઈક સમૂહ માધ્યમોના માલિકો અને કંપનીઓનું હતું. સમૂહ માધ્યમોના માલિકો અને અને કંપનીઓ સરકાર પાસેથી સીધી અને આડકતરી રીતે પૈસા કમાતા હતા, પણ જ્યારે લોકોનો પ્રશ્ન આવે ત્યારે ઢોલ વગાડી સરકારની સાન ઠેકાણે પણ લાવતા હતા. પરંતુ બે દાયકામાં ઘણું બધું બદલાયું. માલિકો અને કંપનીઓ માત્ર ધંધો કરવા લાગી અને પ્રજાના પ્રશ્ને ચૂપ થઈ ગઈ.

પત્રકારની સ્થિતિ પણ બદલાઈ, ટાંચા પગારમાં કામ કરતાં પત્રકારના મનમાં આર્થિક સંકળામણ વચ્ચે પણ જુસ્સો અને ગુસ્સો હતો. તે સંત્રીથી લઈ મુખ્યમંત્રી સાથે પ્રજાના પ્રશ્ન અંગે ખુલીને પુછતો, સંભવ છે કે તેના પુછાયેલા પ્રશ્નોને કદાચ તેના સમૂહ માધ્યમમાં સ્થાન ન મળે પણ તેનું જે મુખ્યકામ હતું પ્રશ્ન પુછવાનું તે તેણે અકબંધ રાખ્યું હતું. માલિક અને કંપનીઓને આવા ગુસ્સા અને જુસ્સાવાળા પત્રકારની કદર અને જરૂર બંને હતી, પણ સમયની સાથે પત્રકારનો ગુસ્સો અને જુસ્સો તેની નોકરી માટે ખતરો બનવા લાગ્યો. કોઈપણ તંત્રને સવાલ પુછતો પત્રકાર ગમતો નથી તેના પરિણામે સવાલ પુછનારા પત્રકારોની નોકરી જોખમમાં આવવા લાગી. માલિકો અને કંપનીઓ પાસે બે વિકલ્પ હતા. સરકારને નાખુશ કરવી કે સવાલ પુછનારા પત્રકારને તેની હેસિયત બતાડવી. સવાલ જ્યારે ચુલાનો ઊભો થયો ત્યારે પત્રકાર લાચર અને બિચારો બની ગયો. આર્થિક સંક્ળામણોમાં જીવતા પત્રકારને જ્યારે નોકરી ગુમાવવાનો ડર લાગવા લાગ્યો અને તેણે તેના સાથીઓની નોકરી જતી જોઈ ત્યારથી તેણે સવાલ પુછવાનું બંધ કર્યું. 


 

 

 

 

અત્યારે પત્રકારત્વની જે સ્થિતિ ઊભી થઈ છે તે હાલના શાસકો માટે ઉત્તમ બાબત છે, પણ કોઈ સત્તા કાયમ ક્યારેય ટકતી નથી. જો માલિક ચૂપ અને પત્રકાર ડરેલો હશે તો ભવિષ્યમાં હાલના શાસકને પણ પ્રજાની વાત સરકાર સામે મુકવા કોઈ પ્લેટફોર્મ નહીં હોય. કમનસીબી પત્રકારોની પણ છે કે પત્રકારત્વની કોલેજમાં તેને રિપોર્ટિંગ, એન્કરિંગ અને એડિટિંગ શિખવવામાં આવે છે પણ લડતા અને સવાલ પુછતા કોઈએ શિખવાડ્યું નહીં. પત્રકાર એવું  માનવા લાગ્યો કે તેમની ઓળખ તેમની પોતાની નથી, તેના માણસ હોવાની કોઈ કિંમત નથી, તેની ઓળખ જે સમૂહ માધ્યમમાં કામ કરે છે તેના કારણે છે. આમ પત્રકારે પોતાનું જ અસ્તિત્વ મટી રહ્યું હતું તેની દરકાર કરી નહીં. છતાં આ તમામ નિરાશાઓમાંથી પત્રકારે આજે નહીં તો કાલે ફરી બેઠા થવું પડશે, પોતાની ચિંતા તો જ કરી શક્શે જો તે બિજાની ચિંતા કરતો થશે.