કિરણ કાપૂરે (મેરાન્યૂઝ.અમદાવાદ): સમગ્ર દુનિયા આજે કોરોનાના ઉકેલ અર્થે વિજ્ઞાન તરફ મીટ માંડીને બેઠી છે, ત્યારે ઈશ્વરીય આસ્થાનું વજૂદ શું છે તે અંગે આધ્યાત્મિક ગુરુ દલાઈ લામા તરફથી નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું છે કે, અત્યારની સ્થિતિમાં પ્રાર્થના કરવી પૂરતું નથી. કોરોના સામે લડવા આપણે અરસપરસ હિત ઇચ્છવું પણ જરૂરી છે.

“અમે બૌદ્ધધર્મી એવું માનીએ છીએ કે સમગ્ર વિશ્વ પરસ્પર આધારીત છે. તેથી અવારનવાર હું સહિયારી જવાબદારી અંગે બોલું છું. કોરોના વાઇરસે આપણને બતાવ્યું છે કે કોઈ પણ બાબતની અસર એક વ્યક્તિ સુધી મર્યાદિત નથી. આ બીમારી યાદ અપાવે છે કે ઠોસ કામ અને એકબીજાની ભલાઈ જ આપણને સુરક્ષિત રાખી શખશે.”

દલાઈ લામાએ આ નિવેદન અમેરિકાના જાણીતા ‘ટાઇમ’ મેગેઝિનમાં આપ્યું છે. ‘ટાઇમ’ મેગેઝિને કોરોનાની મુશ્કેલ ઘડીમાં વર્તમાન સો લિજેન્ડ્સ શું કહે છે તે વિશેનો અંક પ્રકાશિત કર્યો છે.‘ટાઇમ’ મેગેઝિને આ અંકમાં ધાર્મિક ઓળખ ધરાવતા એક માત્ર દલાઈ લામાને સમાવ્યા છે. આ સિવાય અન્ય કોઈ ધર્મના વડાને તેમાં સ્થાન આપવામાં આવ્યું નથી. કારણ કે દલાઈ લામા બૌદ્ધ ધર્મના વડા હોવા છતાં તેઓએ બીમારીને સાંકળીને કોઈ ધાર્મિક વાત કરી નથી. તેમણે આ સંકંટમાં વિજ્ઞાનને મહત્વ આપીને રજૂઆત કરી છે. આ વિશે તેઓ શરૂઆત જ એવી રીતે કરી છે કે, “ઘણી વખત મિત્રો મને વિશ્વ સામેની સમસ્યાઓનો હલ જાદુઈ શક્તિથી આણવાનું કહે છે. હું તેમને હંમેશા કહું છું કે દલાઈ લામા પાસે કોઈ જાદુઈ શક્તિ નથી. જો તેમ હોત તો મારા પગમાં જે દુઃખાવો થાય છે તે ન થાત. અમે તમારી જેવાં જ છીએ. અમે પણ ભય, આશા અને અનિશ્ચિતતાની લાગણી અનુભવીએ છીએ.”

દલાઈ લામા આ સંકંટને પૂર્ણ રીતે પામ્યા છે હોય તેમ માલૂમ થાય છે. તેઓ કહે છે કે, “જ્યારથી વુહાનમાં કોરોના વાઇરસના ન્યૂઝ આવ્યા છે ત્યારથી હું ચીનનામારાભાઈ-બહેનો માટે પ્રાર્થના કરી રહ્યો છું અને વિશ્વના અન્ય દેશોના લોકો વિશે જેઓ વાઇરસમાં સપડાયા છે. આ વાઇરસથી કોઈ સુરક્ષિત નથી. આપણાં સૌને પોતીકાઓની અને વૈશ્વિક અર્થતંત્રની ચિંતા છે.

આ મુશ્કેલીમાં સૌએ થાય એટલી જવાબદારી લેવાની છે. સાથે મળીને આગળ આવવાનું છે. આ સંકંટની અસર સૌને થઈ છે. પંરતુ જેમની પાસે ઘર, પૂરતી સગવડ નથી આપણે તેમના તરફ મદદનો હાથ આગળ વધારીને સુરક્ષિત કરવા જોઈએ. આ પડકારથી એટલું સાબિત થયું છે કે આપણે સૌ એકબીજાથી અલગ-અલગ હોવા છતાં વેગળાં નથી. તેથી સૌએ ભલાઈ આદરીને એકબીજાની મદદ કરવાની છે.

“બુદ્ધિસ્ટ હોવાના નાતે હું અસ્થાયી સિદ્ધાંત પર વિશ્વાસ કરું છું. આ વાઇરસથી પણ દુનિયા મુક્ત થશે. મેં યુદ્ધ અને અન્ય ભયંકર આપત્તીઓ જોઈ છે, અને તેનાથી આપણને વૈશ્વિક સમાજ નિર્માણ કરવાનો અવસર સાંપડ્યો છે. બસ સાથે મળીને પ્રયાસ કરતાં રહેવાનું છે.”