પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): વિશ્વ હિન્દુ પરિષદમાંથી ડૉ. પ્રવિણ તોગડીયાની હકાલપટ્ટી બાદ દેશવ્યાપી એક નવા હિન્દુ સંગઠનની રચનાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વિશ્વ હિન્દુ પરિષદના વર્તમાન માળખામાં સંઘ અને ભાજપથી નારાજ એક જુથ પરિષદ સાથે છેડો ફાડી ડૉ. પ્રવિણ તોગડીયાના નેતૃત્વમાં રચાઈ રહેલા નવા હિન્દુ સંગઠનનો હિસ્સો બનશે. આ સંગઠનની સત્તાવાર જાહેરાત તા. 24મી જુનના રોજ અયોધ્યામાં થાય તેવી સંભાવના સુત્રોએ વ્યક્ત કરી છે.

વિશ્વ હિન્દુ પરિષદના સુત્રોની જાણકારી પ્રમાણે તા. 6 મેના રોજ દિલ્હીમાં તામિલનાડુને બાદ કરતા દેશભરમાંથી 362 નેતાઓ ડૉ. પ્રવિણ તોગડીયાની ઉપસ્થિતિમાં મળ્યા હતા, તેમણે સંઘ અને ભાજપ સાથે છેડો ફાડી એક નવા હિન્દુ સંગઠનની રચના કરવાનો નિર્ણય કર્યો છે. સંઘ અને ભાજપે હિન્દુત્વના નામે સત્તા લીધા પછી હિન્દુઓ અને હિન્દુત્વની અવગણના કરી છે તેવો તેમનો સુર હતો. આ સંજોગોમાં વિશ્વ હિન્દુ પરિષદમાં રહેવાનો કોઈ અર્થ નથી કારણ તે પણ સરકારી વાજીંત્ર બની ગયુ છે.

પ્રવિણ તોગડીયાને પરિષદમાંથી હાંકી કાઢ્યા બાદ તેઓ તેમની વિચારસરણીને વરેલા નેતાઓને મળ્યા હતા, જેના કારણે હવે નવા હિન્દુ સંગઠનનો માર્ગ મોકળો થયો છે. રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘમાં વિભાજન થઈ રહ્યુ હોય તેવી આ પહેલી ઘટના છે, ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદમાં મોટુ એકમ ડૉ પ્રવિણ તોગડીયા સાથે છે. તા 24 જુનના રોજ સંભવત: નવા સંગઠનની જાહેરાત થશે. જેની દિલ્હી અથવા અયોધ્યામાં જાહેરાત થાય તેવી સંભવના છે.